રાપરના યુવાનનો બે ટુકડામાં મૃતદેહ મળી આવતાં ચકચાર
ગાંધીધામ, તા. 19 : રાપર-ચિત્રોડ માર્ગ ઉપર આવેલા?ખીમા ભૂરાની વાડી નજીક બાવળની ઝાડીઓમાંથી રાપરની પાંજરાપોળ પાછળ રહેતા છગન હરિ ગોહીલ (ઉ.વ.36) નામના યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. રાપરની પાંજરાપોળની પાછળ રહેતા અને પેઇન્ટિંગ તથા માટી કામના કારીગર એવા છગન ગોહીલ નામના યુવાનની આજે સવારે બે ટુકડામાં લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાન ગત તા. 12/5ના સાંજે પોતાના?ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર નીકળી ગયો હતો. તે મોડે સુધી પરત ન આવતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. આજે સવારે રાપર-ચિત્રોડ માર્ગ ઉપર ખીમા ભૂરાની વાડી પાસે બાવળની ઝાડીમાંથી  આ યુવાનની કોહવાયેલી અને બે ટુકડામાં લાશ મળી આવતાં આ શોધખોળનો અંત આવ્યો હતો. બે સંતાનના પિતા એવા આ યુવાનની અડધી લાશ રાની પશુઓએ ફાડી?ખાધી હતી. જે પૈકી તેનો એક હાથ હજુ મળ્યો નથી. તપાસકર્તા ફોજદાર જે. એમ. ગઢવીએ જણાવ્યું હતું કે, આ યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના શર્ટની બાંય વડે ગળેફાંસો ખાઇ લીધો  હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. તેમ છતાં આ યુવાનની ક્ષત-વિક્ષત લાશનું ફોરેન્સીક પી.એમ. કરાવવા તથા ડીએનએ માટે જામનગર ખાતે મોકલી આપવામાં આવી હતી. જો આ રિપોર્ટમાં અન્ય કોઇ કારણ બહાર આવશે  તો હત્યા સહિતની કલમો તળે ગુનો પણ નોંધાવવા તેમણે ઉમેર્યું હતું.