અંજારમાં ડી.જી. સ્ક્વોડે 2.88 લાખનો દારૂ ઝડપતાં પોલીસતંત્રમાં હડકંપ

ગાધીધામ, તા. 19 : અંજારની ભાગોળે આવેલા વિશ્રામગૃહ નજીકથી રાજ્યના ડી.જી.ની સ્ક્વોડે એક કારમાંથી રૂા. 2,88,000નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. પરંતુ આ કારનો ચાલક બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો. ડી.જી. સ્ક્વોડના આ દરોડાથી સ્થાનિક પોલીસ અને એલ.સી.બી.માં દોડધામ થઈ પડી હતી.  રાજ્ય મોનીટરિંગ સેલની ટીમે આજે બપોરે અંજારના વિશ્રામગૃહ પાસે આ કામગીરી કરી હતી. અંજારનો જાફરશા કાસમશા શેખ નામનો ઈસમ ટવેરા ગાડી નંબર જીજે 12-બીઆર 7058વાળી લઈને આવી રહ્યો હતો ત્યારે સ્ક્વોડે તેને રોકાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે સ્ક્વોડને દાદ આપી નહોતી અને પછીથી પોતાનું વાહન મૂકીને તે પોલીસના હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો. તેના વાહનમાંથી અલગ અલગ બ્રાન્ડની 750 એમ.એલ.ની. 1472 બોટલ કિંમત રૂા. 2,88,000નો શરાબનો જથ્થો જપ્ત કરાયો હતો. સ્ક્વોડે આ દરોડામાં રૂા. 4 લાખની ગાડી પણ જપ્ત કરી હતી.  પોલીસે જણાવ્યું હતું કે, ભુજમાં દારૂના ગુનામાં આ ઈસમ નાસતો ફરે છે. તે અગાઉ પાસામાં જઈ આવ્યો છે. નામચીન એવા આ બુટલેગરે અગાઉ દારૂ ભરેલું વાહન પણ સળગાવી નાખ્યું હોવાનું સ્ક્વોડના સૂત્રોએ જણાવ્યું હતું.  ગત અઠવાડિયે ડી.જી. સ્ક્વોડે માધાપરમાંથી ગુણવત્તાસભર નહીં પરંતુ સામાન્ય દારૂનો જથ્થો પકડી પાડીને પોતાની હાજરી પૂરાવી હતી. ત્યારે કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર એવા સૂરજબારી અને આડેસર ચેકપોસ્ટ ઉપર આવા વાહનોની તલાશી લેવાય છે કે નહીં ? તે પ્રશ્ન અહીં ઉદ્ભવે છે. દારૂ ભરેલી આખી ગાડી છેક અંજાર સુધી પહોંચી આવે તે આશ્ચર્યજનક હોવાનું મનાય છે.  હાલમાં અંજારના નાગલપરમાંથી આર.આર. સેલે ક્રિકેટનો સટ્ટો પકડી પાડયો હતો. તેમજ અમુક વિસ્તારોમાં આંકડાની બદી, દેશી-અંગ્રેજી દારૂની બદી પણ વિસ્તરેલી છે તેવામાં રાજ્યની સ્ક્વોડે અઢી લાખ ઉપરાંતનો દારૂ પકડી પાડતાં આમાં કોની-કોની જવાબદારી ફિટ થાય છે અને કોના-કોના ડાંડલા પડે   છે તે હવે જોવાનું રહ્યું તેવો ગણગણાટ ખુદ પોલીસ બેડામાં થઈ રહ્યો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer