સરકાર માછીમારોની ઉપેક્ષા કરતી હોવાનો આક્ષેપ
જખૌ બંદર (તા. અબડાસા), તા. 19 : પશ્ચિમી છેવાડાના મત્સ્ય બંદર જખૌ ખાતે રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિત્રીએ મુલાકાત લઇ માછીમારોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રસંગે તેમણે સરકાર દ્વારા માછીમારોની ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે આપણા માછીમારો આઇ.બી. જેટલું કામ કરે છે રાત-દિવસ સમુદ્રમાં રહી અજાણી હોડી કે બોટ દેખાય તો તરત કોસ્ટગાર્ડને વાકેફ કરે છે.  તેમણે માછીમારો માટે પોતાની ગ્રાન્ટમાંથી હોલ બનાવવા માટે 20 લાખની ગ્રાન્ટની જાહેરાત કરતાં તેમણે બંદરીય વિસ્તારની અધૂરાશો ઊણપો અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી માછીમારોના પ્રશ્નો ઉકેલવા ધરપત આપી છાશવારે થતાં માછીમારોના અપહરણ અંગે કોસ્ટગાર્ડ કરે છે શું ? તેવો સવાલ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કચ્છમાં માછીમારોને કોરીક્રીક, સીરક્રીક વિસ્તારમાં માછીમારી માટે મનાઇ ફરમાવી છે તે યોગ્ય નથી તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે પેતે ઉદ્યોગના વિરોધી નથી પણ ઉદ્યોગોનો નકામો કચરો સમુદ્રોમાં ઠલવાતાં દરિયાઇ જીવોને હાનિ પહોંચી છે તેવું કહી તેમણે ઉમેર્યું કે બંદરીય વિસ્તારની પાણી યોજના 14.65 કરોડના ખર્ચે નિર્માણ તો પામી પણ ફીશરીઝ અને પા. પુ. ખાતા વચ્ચે આંતરિક ગજગ્રાહના કારણે આ યોજના મૃતપાય જેવી હાલતમાં પડી રહી છે જેના પગલે માછીમારોને 1 બોટલના રૂા. 40ના ભાવે પાણી ખરીદવું પડે છે.  પ્રારંભમાં જિ. પં. સદસ્ય કિશોરસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી ધારાસભ્ય શકિતસિંહ ગોહિલના નેતૃત્વની સરાહના કરી હતી. જિ. પં.ના સદસ્ય તકીશાબાવા સૈયદે કોંગીમાં સંગઠન પર ભાર મૂકયો હતો. પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમભાઇ મંધરાએ કરોડોનું વિદેશી હુંડિયામણ કમાવી આપતા જખૌ બંદરે સુવિધાના નામે મીડું છે. ભા.જ.પ. સરકારે બંદરીય સુવિધા વધારવા કયારેય રસ લીધો નથી તેવો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગે જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્લાશા પીરજાદાએ બંદરીય વિસ્તારમાં અધૂરાશો ઊણપો અંગેનું આવેદનપત્ર આપ્યું હતું.  આ પ્રસંગે તાલુકા કોંગી પ્રમુખ ઇકબાલ મંધરા, તા. પં. વિરોધ પક્ષના નેતા હાજી અબ્દુલ્લા ગજણ, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અજિતસિંહ જાડેજા, જખૌ સરપંચ લાખાજી અબડા, કોઠારા સરપંચ હેમુભા ધલ, સિધિક ગજણ, ગનીભાઇ હિંગોરા, જામભા સોઢા, ઇસ્માઇલ માસ્તર, મુબારક જત, હાજી સાલેમામદ દરાડ, અબ્દુલાશા પીરજાદા, તા. પં. સદસ્ય રાવલ મીસરી જત, હાજી અદ્રેમાનશા, જિ. પં. સદસ્ય લખપત હઠુભા સોઢાએ આભારવિધિ કરી હતી.