ટિકિટ મુદ્દે મળવાની સ્પષ્ટ ના ભણી દેતાં અનેકના ચહેરાનું નૂર ઊડયું
ભુજ, ત.ા 19 : હું કોઇ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વાંચ્છુઓને કે, દાવેદારી કરનારાઓને મળવા નથી આવ્યો...હું તો પક્ષનો જેના પર આધાર છે તેવા કાર્યકરોની લાગણી સાંભળવા આવ્યો છું તેવું અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી અને સાંસદ રાજીવ સાતવે જણાવતાં સભામાં સોપો પડી ગયો હતો.   સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં કાલે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી સભામાં શ્રી સાતવે  યુ.પી. અને પંજાબની ચૂંટણીના ઉદાહરણ ટાંકી વિધાનસભાની ચૂંટણીને પગલે વરસાદ સમયે નીકળી આવતા મીના મામાની જેમ ટિકિટ વાંચ્છુઓને આડે હાથ લઇ તેમને મળવાની સ્પષ્ટ ના ભણી દેતાં સભામાં સન્નાટો છવાઇ ગયો હતો. પક્ષને સ્ટેજ પર બેઠેલાઓ કામ નથી આવવાના પરંતુ સામે બેઠેલાઓ કામ આવશે તેવું જણાવતાં અનેક મોઢાના ભાવ ફરી ગયા હતા. જો કે, આ સ્પષ્ટતાને કારણે સંનિષ્ઠ કાર્યકર્તામાં હર્ષની લાગણી ફરી વળી હતી.    અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદભુવન ખાતે પણ શ્રી સાતવે બંધબારણે એકલા જ રહી વ્યકિતગત રજૂઆતો સાંભળી હતી. જેને પગલે કોંગ્રેસમાં અલગ અલગ ચોકો રચનારાઓ પોલ ખુલવાની બીકે ચિંતામાં મુકાયા હતા.  થોડા સમય પહેલાં જ કોંગ્રેસના અગ્રણીઓ સેન્સ લેવા આવ્યા હતા ત્યારે અનેક પૂર્વ-હાલના અગ્રણીઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. ટિકિટવાંચ્છુઓમાં યુવા નેતાઓ પણ અનેકે દાવો કર્યો હતો.