આંખ રોગના ફરતા દવાખાનાનો કારાઘોઘાથી પ્રારંભ

મુંદરા, તા. 19 : જિલ્લાના દૂર દરાજના ગ્રામ્ય વિસ્તારોના આંખના દર્દીઓની અદ્યતન મશીનરીથી તપાસ કરવાના હેતુ માટે ભોજાય સર્વોદય ટ્રસ્ટ હસ્તકના આંખના ફરતા દવાખાનાનો આરંભ તાલુકાના કારાઘોઘા ગામેથી કરવામાં આવ્યો હતો. સાથે સાથે આંખ ઉપરાંત જનરલ સર્જરી શિબિર મળીને કુલ 300 જેટલા દર્દીઓએ નિ:શુલ્ક તપાસણી અને સારવાર કરાઇ હતી. કારાઘોઘા જૈન સેનેટોરિયમમાં ચાલતા નિદાન સારવાર કેમ્પની મુલાકાત દરમ્યાન ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન કલ્યાણજીભાઇ નાગડે જણાવ્યું હતું કે, આંખના ફરતા દવાખાનાને જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લઇ જઇને આંખની પ્રાથમિક સારવાર બાદ તેના ઓપરેશન માટે ભોજાય સર્વોદય ટ્રસ્ટ ખાતે દર્દીઓને બોલાવવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી હીરજી લાલજી ગડાએ કહ્યું કે, રોગનું સમયસર નિદાન થાય એ મહત્ત્વનું છે.  જનરેટર અને વાતાનકુલિત આંખના ફરતા દવાખાનામાં હોસ્પિટલમાં હોય એવી તમામ અદ્યતન મશીનરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આંખના ફરતા દવાખાનાના દાતા ડો. મુક્તાબેન અને ડો. નિતિનભાઇ દેઢિયા છે. જ્યારે કારાઘોઘાના આજના કેમ્પના દાતા હીરબાઇ પોપટલાલ ભીમશી નાગડા પરિવાર હતો.  સમગ્ર કેમ્પની જહેમત ઉઠાવનાર કારાઘોઘાના રમણીકલાલ શેઠિયાએ માહિતી આપતાં જણાવ્યું કે, અમારી ટીમે 31 ગામોનો પ્રવાસ કર્યો હતો. તેમ મુંદરા ઉપરાંત માંડવી, ભુજ, અબડાસા સહિતના 35 ગામોના આંખના અને જનરલ સર્જરી વિભાગના 300થી વધુ દર્દીઓ કારાઘોઘા આવ્યા છે. જેમને ભોજન સહિતની સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી છે. તેમની ટીમમાં ચંદ્રેશ જોલાપ્રા, તખુભા રવુભા, ધનજીભાઇ કેરાઇ, બિપિન દરજી, રમેશ બુધિયા, ગોપાલ મહેશ્વરી જોડાયા હતા. કારાઘોઘા જૈન મહાજન તથા ગામના અગ્રણીઓ કેમ્પની વ્યવસ્થામાં રોકાયેલા જોવા મળ્યા હતા.  પથરી, પ્રોસ્ટેટ, એપેન્ડીસ, સારણગાંઢ સહિતના રોગોનું નિદાન અહીં થયા બાદ તેમના ઓપરેશન ભચાઉ ખાતે કરવામાં આવશે. કેમ્પમાં ડો. રજુર્વેદસિંઘ રારોડ (આંખ), ડો. નિતિન કકા (જનરલ સર્જન) અને ડો. ચંદ્રકાન્ત લાલને સેવા આપી હતી. કેમ્પમાં દૂર દૂરથી આવેલા દર્દીઓને મદદરૂપ થવા મુંબઇથી સુરેન્દ્ર હરિયા, ભુપેન સંઘોઇ, કિરણ હરિયા અને તેમના મિત્રો કારાઘોઘા આવ્યા છે. આંખ અને જનરલ વિભાગની સર્જરી તા. 20-5ના ભોજાય અને ભચાઉમાં કરવામાં આવશે. જ્યારે આરોગ્યસેવાના ભેખધારી લીલાધરભાઇ ગડા (અધા)એ ફોન ઉપર જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આંખના ફરતા દવાખાનાના માધ્યમથી સરહદી જિલ્લાના 400 ગામને આવરી લેવામાં આવશે. ખાસ કરીને જામર અને વેલનું નિદાન જો સમયસર થાય તો વ્યક્તિની દ્રષ્ટિને બચાવી શકાય તેમ છે. ઓપરેશનનો તમામ ખર્ચ નિ:શુલ્ક રાખ્યો છે. મહત્ત્વના અંતરિયાળ ગામોના પોઇન્ટ નક્કી કરીને આંખનું ફરતું દવાખાનું અગાઉથી જાણ કરી ત્યાં દર્દીઓને તપાસવા જશે જેથી મોતિયા સહિતના દર્દીઓને અદ્યતન મશીનથી તપાસી શકાય. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer