ઐતિહાસિક નગર અંજારને શક્ય તેટલું સુવિધાસભર બનાવવાની નેમ

અંજાર, તા. 19 : ઐતિહાસિક અંજારને ઔર ને ઔર દૈદિપ્યમાન કરવું તેવો દૃઢ નિર્ધાર વ્યકત કરતાં રાજ્યના સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીરે અંજાર બસસ્ટેન્ડ ખાતે રૂા. 190 લાખના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન બસસ્ટેન્ડનું ભૂમિપૂજન કર્યું હતું.  તેમણે અંજાર તેમજ તાલુકા વિસ્તારમાં અબજોના ખર્ચે થયેલ વિકાસકામોનો ઉલ્લેખ કરતાં આજ અંજાર વિસ્તાર આન, બાન અને શાનથી જિલ્લાભરમાં ઉન્નત મસ્તિક ઊભો છે તેને તેમનું તથા હિતેચ્છુઓનું યાદગાર સંભારણું લેખાવ્યું હતું. આ તકે તેમણે અંજાર તેમજ તાલુકા વિસ્તારની ખૂટતી વિકાસ સુવિધાઓ આગામી સમયમાં પૂર્ણ કરી દેવાનો વિશ્વાસ દેવડાવતાં તેમની પ્રગતિશીલ સરકાર ત્વરિત નિર્ણયને મહાપુણ્યમાં અગ્રેસર રહી છે તેવું ઉમેર્યું હતું.  આ પ્રસંગે  ઉપસ્થિત મહાનુભાવોએ તેમના પ્રતિનિધિ વાસણભાઇના પ્રયત્નોને બિરદાવતાં ઋણ ચૂકવવામાં તેમનો વિસ્તાર ક્યાંય પાછો નહીં પડે તેવું વચન પાઠવ્યું હતું. પ્રારંભમાં પ્રસંગ પરિચય ઉપસ્થિતોનું શાબ્દિલ ફૂલ, શાલે સ્વાગત અંજાર ડેપો મેનેજર ભગોરા તેમજ સ્ટાફગણે કર્યું હતું. સંચાલન અંજાર જમીન વિકાસ બેન્કના મહાદેવભાઇ આહીરે કર્યું હતું.  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ કોઠારી, નગરઉપપ્રમુખ અનિલ પંડયા, મહાદેવભાઇ આહીર, મામલતદાર અશોક રાઠી, અંજાર પ્રાંત શ્રી પંડયા, ગોવિંદભાઇ ડાંગર, એલ. જી. વોરા, મહેન્દ્ર કોટક, કિશોરભાઇ ખટાઉ, કરશનભાઇ ગોપાલ, રામજીભાઇ ઝરૂ, રાયસંગજી જાડેજા, મિતેશ ટાંક, સામજીભાઇ મરંડ, અમરીશ કંદોઇ,  કમલેશ મનજીભાઇ, સામજીભાઇ હીરાણી, ટપ્પર સરપંચ રમેશભાઇ ડાંગર, અભેસિંઘ મોલે સલામ, શૈલેશ સથવારા, સુરેશ?છાયા તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer