ગાંધીધામમાં હવે 500 અને 2000ની નોટોની તંગી
ગાંધીધામ, તા. 19 : નોટબંધીના ત્રણ-ચાર મહિના લોકોએ જે તકલીફો ભોગવી હતી તેને યાદ કરાવે એવી હાલત ગાંધીધામ વિસ્તારમાં રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકોની અત્યારે થઇ રહી છે. વાયરસના સંભવિત આક્રમણના પગલે પૂરતા પ્રમાણમાં રોકડ વહેવાર થંભી જતાં બેંકો ફરીને નિર્ધન બની ગઇ દેખાય છે.  ગુરુવારના ગાંધીધામ વિસ્તારમાં બેંકિંગ સર્કલમાં આવેલી વિવિધ બેંકોની મુલાકાત `કચ્છમિત્ર' દ્વારા લેવામાં આવી ત્યારે આ હાલત જોવા મળી હતી. ઉપરથી જ પૈસાની ફાળવણી ઉપર રોક લગાડવામાં આવેલી હોવાથી જ્યાં રોજના 20-25 લાખની જરૂર હોય ત્યાં માંડ 5-6 લાખ?રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાની વાત કેટલીક બેંકના અધિકારીઓએ જણાવી હતી.  કાઉન્ટર ઉપર પાંચસો અને બે હજારની નોટો અદ્રશ્ય જોવા મળી હતી. જો કોઇ ગ્રાહક પૈસા ભરવા પાંચસો-બે હજાર લાવે તો જ તે ફરી ચૂકવવા ગોઠવણ થયેલી અન્યથા પચાસ અને સોના બંડલમાં જ ચૂકવણું કરવામાં આવતું જોવા મળ્યું હતું.  આવા સંજોગોમાં એટીએમ તો સૂકાયેલા જ રહ્યા છે. જ્યાં કાઉન્ટર ઉપર પણ પૂરતા પૈસા નથી ત્યાં એટીએમના પેટ?કેમ ભરાય ? બેંક અધિકારીઓએ અલબત્ત, એવી આશા વ્યક્ત કરી હતી કે એકાદ-બે દિવસમાં પરિસ્થિતિ સુધરી જશે અને બેંકો ફરીથી પહેલાંની જેમ જ કામ કરશે, પણ હાલ તો ગ્રાહકો પૈસાના કારણે તકલીફ ભોગવી રહ્યા છે. ગાંધીધામ વિસ્તારમાં નાણાંની હેરફેર માટે, ખાસ કરીને રોકડ નાણાંની હેરફેર માટે હજુ સુધી કોઇપણ?બેંકે વિશ્વસનીયતા ઊભી નથી કરી તે માટે ગ્રાહકો ખેદ વ્યક્ત કરતા જોવા મળે છે !