ગાંધીધામમાં મિલકત આકારણીમાં છબરડા છતાં 18 ટકા વ્યાજ વસૂલાતાં ચકચાર

ગાંધીધામ, તા. 19 : શહેરની પાલિકા આડેધડ અને મનસ્વી રીતે આકારણી કરી આવા મંદીના સમયમાં પણ ખાલી પ્લોટના વેરાના બિલો ફટકારી દે?છે, જેમાં નિયમ મુજબ રાહત અપાતી નથી. આવા બિલો અંગે લેખિતમાં વાંધા રજૂ કરવા છતાં બહેરું તંત્ર દાદ દેતું નથી તથા બાકી લેણા ચડાવી તેના ઉપર 18 ટકા લેખે વ્યાજ વસૂલ કરવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ ઊઠી છે અને વધતા જતા વ્યાજના વિષચક્રના આવા બનાવોથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ?છે.  અહીંની પાલિકામાં બાકી લેણાં ઉપર 18 ટકા વ્યાજ વસૂલવું અને લોકો વહેલા વેરા ભરી જાય તો તેમને રીબેટ આપવા વર્ષ 2008થી 2010 દરમ્યાન ડો. બી.એફ. આચાર્ય પાલિકા પ્રમુખ હતા, ત્યારે ઠરાવ કરવામાં આવ્યો હતો.  ત્યારથી આ જોડિયા શહેરો ઉપર બોજાની તવાઇ શરૂ થઇ છે, જે આજે પણ યથાવત?છે. મિલકતની આકારણી-માપ વગેરેનું કામ ખાનગી એજન્સીઓને સોંપવામાં આવે છે, જેના કારણે આવી આકારણીઓમાં અનેક છબરડા બહાર આવતા હોય છે. આવી ભૂલો અંગે રજૂઆતો છતાં બહેરા તંત્રના કાને અથડાઇને પરત આવે?છે.લોકોને પ્રાથમિક સુવિધા આપવાનું કામ છે તેવી પાલિકાએ વર્ષ 2011થી લોકો ઉપર વ્યાજના વિષચક્રનું મોરપીચ્છ ઉમેર્યું છે. મિલકતવેરો, સરચાર્જ, પાણીવેરો, સફાઇવેરો, દીવાબત્તી વેરા, ગટરવેરા, ખાસ સફાઇ વેરો, નોટિસ ફી વગેરે તથા છેલ્લે  વ્યાજનું છોગું તો બાકી જ રખાય છે. સેક્ટર-5માં આવેલા ખાલી પ્લોટ નંબર 13ના ધારક વેરાના નાણા ભરવા ગયા ત્યારે આ મિલકત પાલિકાના ચોપડે ચડેલી જ ન હોવાનું બહાર આવ્યું હતું.  મિલકતને ચોપડે ચડાવવા આ પ્લોટ ધારકે પાલિકામાં અરજી કરતાં તમામ વેરા સહિત તેમને રૂા. 54,155નું બિલ પધરાવી દેવામાં આવ્યું હતું. જેમાં વ્યાજની રકમ અધધધ રૂા. 32,572 બતાવવામાં આવી હતી. ચોપડે ન ચડેલી આ મિલકત અંગે ધારક પાસેથી વ્યાજ  વસૂલવું કેટલું ન્યાય સંગત છે તેવી ચર્ચા જાગી છે. ખરેખર પાલિકાએ વ્યવહારિક અભિગમ દાખવી વ્યાજ માફીની યોજના જાહેર કરવી જોઇએ. જેથી પાલિકાની તિજોરી પણ ભરાઇ શકે. લોકો વેરા ભરવા તૈયાર છે. પરંતુ પાલિકાના જક્કી વલણના કારણે કરોડોના લેણાં બાકી રહી જતા હોવાનું લોકોમાં ચર્ચાઇ  રહ્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer