ગાંધીધામમાં વડાપ્રધાનના રૂટ ઉપરથી દબાણો હટાવી લેવાયાં
ગાંધીધામ, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીધામ આવી રહ્યા છે ત્યારે જે રૂટ પરથી  તેઓ પસાર થવાના છે તે માર્ગ પરના દબાણો હટાવીને પાલિકાએ હાશકારો લીધો હતો.  વડાપ્રધાન મોદી ગાંધીધામમાં વિવિધ વિકાસકામોનું ઉદ્ઘાટન / ખાતમુહૂર્ત કરવાના છે. તેઓ જે માર્ગ પરથી પસાર થવાના છે તે માર્ગ પરના તમામ દબાણો પાલિકાએ હટાવી લીધા છે. વડાપ્રધાનની મુલાકાત વેળાએ તમામ સરકારી તંત્રોમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.  વડાપ્રધાન કંડલા એરપોર્ટ આવી ત્યાંથી કે.પી.ટી. (દાદા ભગવાન) મેદાને જવાના છે. દરમ્યાન રાજવી ફાટકથી ઓસ્લો સુધીના તમામ દબાણો પાલિકાએ આજે હટાવી લીધા હતા. વર્ષના 365 દિવસ ખડકાયેલા રહેતા આવા દબાણોને હટાવવામાં ઘૂમટો તાણતા પાલિકાના તંત્રે જોર બતાવ્યું હતું. આવા દબાણો થકી શહેરની અને પાલિકાની છબી ખરાબ ન થાય માત્ર તે માટે જ આવા દબાણકારોને થોડા દિવસો માટે રજા રાખવા જણાવાયું છે અને જેવા વડાપ્રધાન પરત જાય કે તરત આવા દબાણકારો પોતાની જગ્યાએ ગોઠવાઇ જશે. પાલિકા તંત્ર કોઇની શેહશરમ રાખ્યા વગર આવા દબાણો સદંતર હટાવી નાખે તેવી માંગ લોકોમાં ઊઠી છે.