21મીએ ગાંધીધામ સફાઇનો વિશ્વવિક્રમ નોંધાવવા તૈયાર

ગાંધીધામ, તા. 19 : આગામી 22/5ના ગાંધીધામ અને ભચાઉ ખાતે વડાપ્રધાનના યોજાનાર કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. બે દિવસ દરમ્યાન મહાસફાઇ સહિતના કાર્યક્રમો યોજાશે. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોર અને ધવલ આચાર્યના જણાવ્યા પ્રમાણે 21/5ના સવારે 9 વાગ્યે ગાંધીધામમાં યોજાનારા મહાસફાઇ અભિયાનમાં 2500 જેટલા યુવાનો જોડાશે જે એક વિશ્વ કીર્તિમાન સ્થપાશે. આ અભિયાનને લિમ્કા બુક ઓફ રેકર્ડ અને સ્ટાર વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન અપાશે જે કચ્છના નાગરિકો માટે ગૌરવપ્રદ બાબત છે. આ ઉપરાંત ગાંધીધામમાં તા. 20/5 અને 21/5ના યોજાનારી ચિત્રસ્પર્ધામાં જિલ્લાભરના સ્પર્ધકો જોડાઇ પોતાની કલાના કામણ પાથરશે. 21/5ના રોટરી સર્કલ ખાતે સાંજે 7 વાગ્યે `એક શામ શહીદોં કે નામ' સંગીતસંધ્યાનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા 20/5 ને 21/5ના ભચાઉ, રાપર તાલુકાના ગામડાંમાં નર્મદા નીરના વધામણા માટે સાંજે મહાઆરતીનું આયોજન કરાયું છે. 21/5ના ભુજિયાની તળેટી ખાતે સાંજે 6 વાગ્યે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સાંસદ વિનોદભાઇ ચાવડા, યુવા મોરચા ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભાજપના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે શહીદોને અંજલિ આપવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં મુંદરા ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા વગેરે ઉપસ્થિત રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer