વડાપ્રધાનના સત્કાર માટે ગાંધીધામમાં રોડ-શો : એરપોર્ટ રસ્તે લઘુ ભારત રચાશે
ગાંધીધામ, તા. 19 : વડાપ્રધાન આગામી તા. 22-5ના ગાંધીધામની મુલાકાતે આવવાના હોવાથી સમગ્ર સંકુલ તેમને આવકારવા થનગની રહ્યું છે. ગાંધીધામ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનને આવકારવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી કઢાયું છે જે અંતર્ગત યોજાનારો રોડ શો વિશેષ આકર્ષણ રહેશે. આ આયોજન અંતર્ગત એરપોર્ટ રોડ પર લઘુ ભારતનો માહોલ ખડો કરાશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કંડલા એરપોર્ટ રોટરી સર્કલ સ્થિત કેપીટી ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળે પહોંચે તે પૂર્વે પાંચ પોઇન્ટ પર ગાંધીધામમાં વસવાટ કરતા દેશના વિવિધ સમાજના લોકો તેમને ઉમળકાભેર આવકારશે.  ભવ્ય રોડ-શોના આયોજન અંતર્ગત પાંચ પોઇન્ટ પૈકી સૌ પ્રથમ વખત કંડલા એરપોર્ટના પ્રવેશ દ્વારે અંજાર બાયપાસ રોડ, રેડીશન હોટલ, હીરાલાલ પારખ સર્કલ અને રોટરી સર્કલ સહિત પાંચ સ્થળે વડાપ્રધાનને આવકારવામાં આવશે. આ રોડ-શોમાં દેશના વિવિધ રાજ્યોના સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ હશે.  છેલ્લે રોટરી સર્કલ પાસે બાંધણી સાડીમાં સજ્જ મહિલાઓ વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ ઉપરાંત સ્વચ્છ ભારત, મેઇક ઇન ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા સહિતના ટેબ્લો મૂકવામાં આવશે. રોડ-શોના આયોજનને જોતાં સંભવત વડાપ્રધાન એરપોર્ટથી સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. એરપોર્ટ રોડ પર વડાપ્રધાનને આવકારવા વિવિધ સમાજના 200થી વધુ બેનરો લગાડવામાં આવશે. સવાયા કચ્છી વડાપ્રધાનને આવકારવા ગાંધીધામમા અનેરો ઉમંગ છવાયો છે.