વડાપ્રધાનના કાર્યક્રમ માટે કેપીટી કર્મચારીઓને સુવિધા આપવા માંગ
ગાંધીધામ, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક)ની બેઠક યોજાઇ હતી. જેમાં જરૂરી ચર્ચા વિચારણા કરાઇ હતી. આ બેઠક અંગે પ્રમુખ મોહનભાઇ આસવાણીએ એક યાદીમાં જણાવ્યું હતું કે કામદારોને કાર્યક્રમના સ્થળે બે કલાક અગાઉ ઉપસ્થિત રહેવા તેમજ પોતાના કેપીટીના ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ સાથે રાખવા જણાવવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કંડલા પોર્ટના કર્મચારી તથા આજુબાજુના વિસ્તારથી પોર્ટના કામદારોને એક વાગ્યા પહેલાં કંડલા પોર્ટ, ગોપાલપુરી વગેરે સ્થળથી કાર્યક્રમ સ્થળે જવા માટે બસની વ્યવસ્થા કરવા કામદારોને પાસ આપી દેવા અંગે ચેરમેન સમક્ષ રજૂઆત કરાઇ છે.  ઇન્ટુકના સંગઠનો જેમાં ખાસ કરીને કંડલા પોર્ટ કર્મચારી સંઘ, કચ્છ જિલ્લા જનરલ કામદાર સંઘ, રિટાયર કામદારોની સંસ્થા (એસોસિયેશન ફોર સિનિયર સિટીઝન અને રિટાયર કર્મચારીઓ), પોર્ટ એન્ડ ડોક એમ્પ્લોઇઝ વેલફેર એસોસિયેશન દ્વારા કાર્યક્રમ સ્થળથી એરપોર્ટ સુધી સંસ્થાઓના બેનરો અને ઝંડા લગાડવા માટેની તૈયારી હાથ ધરાઇ છે. આ આયોજન સંદર્ભે ઉપપ્રમુખ રાણાભાઇ વિસારિયા, કિરીટ ધોળકિયા, જયંતી રિવાલ, મહામંત્રી નારીભાઇ રામદાસાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.