ત્રંબૌવાસીઓ કેમ વિસરે મોદી સાથે મનાવેલી ભૂકંપ પછીની પહેલી દિવાળી

રાપર, તા. 19 : વાગડના ત્રંબૌ ગામને 2001ની 15મી નવેમ્બર કાયમ યાદ રહેશે કારણ કે ભયંકર ભૂકંપમાં આખું ગામ વેર-વિખેર થઇ ગયું હતું. ખોબા જેવડા ગામમાં 40 જેટલા લોકોએ કાળમુખા ભૂકંપમાં જીવ ગુમાવ્યા હતા. એ પહેલી દિવાળીના સપરમા પર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને ગણતરીના કલાકોમાં વડાપ્રધાન તરીકે  કચ્છ આવી રહેલા નરેન્દ્ર મોદી એ સમયે ભૂકંપગ્રસ્તો સાથે પ્રકાશનું પર્વ મનાવવાનો નિર્ધાર કરી અને લોકો વચ્ચે પલાંઠી વાળી બેઠેલા.  એમની નિરંતર સજાગ આંખ તે સમયે કાટમાળના ઢગ જોઇ ચોંકી ઊઠી અને પછી તો આખું કાટમાળ કૌભાંડ બહાર આવ્યું. પણ તે દિવસે નિર્ધારિત સમયે તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ અને રાપરના લોકપ્રતિનિધિ ધીરુભાઇ શાહ સાથે આવીને સીધા ગામની શેરીઓમાં ચક્કર મારી રામમંદિરે રામધૂન બોલાવી હતી. ત્યારબાદ તેમણે જે હાજર હોય તે જમવાનું નક્કી કરી અને ગામના એક ભૂકંપગ્રસ્ત પરિવારના તંબુમાં બેસી છાસ, બાજરાનો રોટલો અને કાચા મરચાંનું ભાણું સ્વ. ધીરુભાઇ સાથે બેસીને જમેલા. આજે પણ લોકો એ દિવસને ભૂલ્યા નથી.  ફરી મોદીજી લોધેશ્વર આવી રહ્યા?છે ત્યારે ત્રંબૌ ગામના લોકોમાં અનરો થનગનાટ જોવા મળી રહ્યો છે. હવે તો મોદી સારા સંસારમાં છવાઇ ગયા છે પણ ડાઉન ટુ અર્થ જીવનાર મોદીજીને એ દિવાળીની સાચી ઉજવણી કેમ વિસરાઇ હોય તેવું સૂર્યશંકર ગોરે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer