વડાવલીના પીડિત પરિવાર માટે કચ્છમાંથી રૂા. 9 લાખ એકત્ર
ભુજ, તા. 19 : થોડા સમય પહેલા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે અમુક અસામાજિક તત્ત્વોએ ગામના મુસ્લિમ પરિવાર પર હુમલો કરી આર્થિક, શારીરિક નુકસાન પહોંચાડતાં જેના વિરોધમાં અખિલ કચ્છ સુન્નિ મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદેદ્દારોએ અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવા માટે કચ્છના સમસ્ત મુસ્લિમ સમાજને અપીલ કરી હતી. અપીલને પગલે કચ્છની વિવિધ મુસ્લિમ જમાતો અને આગેવાનોએ રૂપિયા નવ લાખથી વધારે રકમ એકત્ર કરી હતી.  કચ્છમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ ભાઈચારાથી વશે છે ત્યારે નલિયાના મૂળરાજસિંહ ખેંગારજી જાડેજાએ આર્થિક મદદ કરેલી હતી. સાથે સાથે વડાવલી ગામે કચ્છના મુસ્લિમ આગેવાનો સાથે ચાલી પીડિત પરિવારોને સાંત્વના આપી ત્યારે સ્થાનિક વડાવલી ગામના મુસ્લિમ આગેવાનોએ  જાડેજા પરિવારનો આભાર માન્યો હતો.   એકત્ર થયેલી સહાયની રકમ કચ્છના મુસ્લિમ આગેવાનો હાજી જુમાભાઈ રાયમા, સૈયદ હૈદરશાપીર મામદભાઈ આગરિયા, યુસુફભાઈ સંઘાર, હબિબસા સૈયદ,  સહિતનાએ રૂબરૂ વડાવલી ગામની મુલાકાત લઈ એ રકમનું પીડિત પરિવારોને વિતરણ કર્યું હતું. હાજી જુમ્માભાઈ રાયમાએ પણ કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજવતી જાડેજા પરિવારનો આભાર વ્યકત કર્યો હતો તેવું મામદભાઈ આગરિયાની યાદીમાં જણાવાયું હતું.