અવારનવાર ઊભરાતી ગટરોથી કૈલાસનગરવાસીઓ બન્યા ત્રસ્ત

ભુજ, તા. 19 : શહેરના કૈલાસનગરના સાર્વજનિક પ્લોટ પાસે તાજેતરમાં સી.સી.રોડ બનાવતી વખતે પાણી અને ગટર પાઇપ બેસી જવાથી અવારનવાર ગટરો ઊભરાતાં રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે.  આ વસાહતના બગીચા પાસેના મકાન નં. 802થી 805 પાસેના વિસ્તારમાં આશરે ત્રણેક માસ અગાઉ કોન્ટ્રાકટર દ્વારા સી.સી. રોડ બનાવવા કરાયેલા ખોદાણથી અનેક પાણી અને ગટરની લાઇનો તૂટી ગઇ હતી ત્યારે પ્લમ્બરો દ્વારા જેમ-તેમ પાઇપો બેસાડી દેવાયા હોવાનો આક્ષેપ કરતાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે, માર્ગ બની ગયા બાદ નીચે દબાઇ ગયેલા પાઇપના કારણે અવારનવાર ગટરો ઊભરાયા કરે છે, જેનાથી રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે.  આ બાબતે રહેવાસીઓ દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરાઇ છે પણ યોગ્ય ઉકેલ આવતો નથી. ફરિયાદ કરાય ત્યારે સફાઇવાળા જેમ-તેમ રિપેર કરી ચાલ્યા જાય છે. ફરી પાછા થોડા દિવસમાં તે જ પરિસ્થિતિ સર્જાય છે.  આ ઉપરાંત અનેક ગટરલાઇનોનાં ઢાંકણા પણ તૂટી ગયાં હોવાથી આ ખુલ્લી રહેતી ચેમ્બરોમાં રાતના અંધારામાં પડી જવાનો ભય રહે છે. રહેવાસીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સેનિટેશન વિભાગમાં સીધી ફરિયાદ કરતાં ઉકેલ આવતો જ નથી, તેના માટે જે તે વિસ્તારના નગરસેવકની ભલામણ બાદ જ કામ થાય છે.  અગાઉ મકાન નં. 737 પાસે ખુલ્લી ગટરમાં એક બાળક પડી ગયું હતું. જેથી ખુલ્લી ગટરોને તાત્કાલિક બંધ કરવા માંગ કરાઇ છે. અ વિસ્તારમાં સફાઇ કરતા કામદારો વ્યવસ્થિત સફાઇ ન કરતા હોવાનો પણ રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો.  આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો રહેવાસીઓને નાછૂટકે અદાલતનો આશરો લેવો પડશે તેવું યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer