કનકાવતી ડેમમાં માટીનો ભરાવો દૂર કરાય તો પિયત ક્ષમતા વધે

ભુજ, તા. 19 : અબડાસા તાલુકાની મધ્યમ સિંચાઇ યોજના 1956માં નિર્માણ પામેલા કનકાવતી ડેમના તળિયામાં છેલ્લા 61 વર્ષથી થઇ ગયેલા માટીના ભરાવાના કારણે પાણીની સંગ્રહશક્તિ ઘટી જતાં સિંચાઇ પર અસર થઇ રહી હોવાથી ડેમમાં તળિયા સુધી સાફ-સફાઇ કરવામાં આવે તો ખેડૂતવર્ગને પિયત ક્ષેત્રે મોટો ફાયદો થાય.  કનકાવતી પિયત સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઇ ભાનુશાલી દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે કનકાવતી ડેમનું તળિયું સાફ કરવા માટે કચ્છ સિંચાઇ વર્તુળ દ્વારા રૂા. 9.67 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. પાંચ કિલોમીટર સુધીની લંબાઇ ધરાવતા ડેમના તળિયાને સાફ કરવાની રજૂઆત સામે માત્ર 600 મીટર લંબાઇ અને 90 મીટર પહોળાઇ ધરાવતા વિસ્તારમાં 0.60 મીટર ઊંડાઇ સુધી માટી કાઢવાની ટેન્ડર પ્રક્રિયા થઇ છે. જે રકમ નહીંવત છે.  ડેમમાં પાણી ક્ષમતા વધે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા કિસાનલક્ષી અભિગમ અપનાવી 2થી 3 મીટર સુધીની ઊંડાઇ કરવામાં આવે તો આ ડેમના પિયત વિસ્તારમાં આવતા નુંધાતડ, હાજાપર, ધાવડા, ફાર્મ, ધનાવાડા, ગઢવાડા, વિંઝાણ, અમરવાંઢ સહિતના ગામોની 1559 હેકટર જમીનમાં સિંચાઇનો વધુ લાભ મળી શકે. વિશેષમાં ડેમના તળમાં  15થી 20 કૂવા બનાવવામાં આવે તો તેમાં વરસાદી પાણી રિચાર્જ થવાથી આજુબાજુના વિસ્તારના બોરની પાણી સપાટી ઊંચી આવવામાં મદદ થાય છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer