સગપણ તૂટતાં નાગલપુરની યુવતીનો આપઘાત
ભુજ, તા. 19 : અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે ત્રણ મહિના પહેલાં થયેલા સગપણ તૂટી જતાં લાગી આવવાથી 20 વર્ષની વયની યુવતી નંદનીબેન પ્રભુલાલ વરૂએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે. તો બીજીબાજુ ભુજ તાલુકાના દેશલપર ગામની વાડીમાં વિદ્યુત આંચકો લાગવાથી માંડવી તાલુકાના નાની વિરાણી ગામના ભરત પચાણ મહેશ્વરી (ઉ.વ.20)ને મોત આંબી ગયું હતું.  અમારા ગાંધીધામ બ્યુરોના અહેવાલ અનુસાર મોટી નાગલપુર ગામે નંદનીબેન વરૂ નામની યુવતીએ આજે સવારે તેના ઘરમાં ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. અંજારથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયા બાદ જનરલ હોસ્પિટલમાં તેણે બપોરે દમ તોડયો હતો.  પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યા કરી લેનારી નંદનીના ત્રણ મહિના પહેલાં સગપણ થયા હતા. આ વેવિશાળ તૂટી ગયાની તેને જાણ થતાં લાગી આવવાના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.   બીજીબાજુ દેશલપર ગામે રમેશ અમૃતલાલ પટેલ નામના ખેડુની વાડીમાં આજે સવારે વિદ્યુત આંચકો લાગવાથી નાની વિરાણી ગામના ભરત મહેશ્વરીનું અપમૃત્યુ થવાની ઘટના બની હતી. પોલીસ સાધનોના જણાવ્યા અનુસાર મરનાર ભરત વાડીમાં કડિયાકામ કરી રહ્યો હતો ત્યારે વિદ્યુત લાઇનના સંપર્કમાં આવી જતાં તેને આંચકો લાગ્યો હતો. બાદમાં સારવાર નસીબ થાય તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.