લુણવા ગામે કંપનીમાં શ્રમજીવીઓના શોષણને પગલે 11 દિ''થી હડતાળ

ગાંધીધામ, તા. 19 : ભચાઉ તા.ના લુણવા ગામે ગુજરાત એન.આર.ઇ. કોક લિ.માં શ્રમજીવીઓનાં વર્ષોથી થતા શોષણ તેમજ તેમના પર યેનકેન પ્રકારે પોલીસ ફરિયાદ દાખલ કરી હેરાન-પરેશાન કરવાની ઘટનાથી અઢીસોથી વધુ શ્રમજીવીઓ છેલ્લા અગિયાર દિવસથી હડતાળ પર ઊતર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રમજીવીઓની સમસ્યાના સમાધાન માટે કચ્છ જનરલ મજદુર સંઘ દ્વારા મધ્યસ્થીની ભૂમિકા ભજવાતાં કંપનીના પદાધિકારીઓ દ્વારા કર્મીઓને વધુ હેરાન કરાઇ રહ્યા છે.  કચ્છ જનરલ મજદુર સંઘના ઉ.પ્ર. ગોવિંદ દનિચાએ હડતાળ પર ઊતરેલા કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું કે, ઉપરોક્ત કંપનીમાં છેલ્લા બાર વર્ષથી કામ કરતા હોવા છતાં હજુ સુધી રોજંદાર દૈનિક તરીકે રાખી શ્રમજીવીઓને મળતા મૂળભૂત લાભોથી વંચિત રખાયા છે. આઠને બદલે બાર કલાક કામ કરી તેમનું શોષણ કરાઇ રહ્યું છે. જો કોઇ મેનેજમેન્ટ પાસે રજૂઆત કરે તો ખોટા કેસો ઉપજાવી પોલીસ ફરિયાદો કરવાની ધમકી અપાય છે. થોડા દિવસો પહેલાં જ આવી ઘટના ઘટી હતી. જેનાથી વિચલિત થઇ તમામ શ્રમજીવીઓ હડતાળ પર ઊતરી ગયા છે.  છેલ્લા બાર વર્ષથી કામ કરતા આ કર્મચારીઓને રવિવારની એક પણ હક્ક રજા આપવામાં આવી નથી, અને 26 દિવસની હાજરી પૂરવામાં આવે છે. કોઇપણ પ્રકારની મેડિકલ સગવડો અપાતી નથી સહિતના અનેક મુદા્ ટાંકી ઉમેર્યું કે, કંપનીમાં રજૂઆત થતાં મેનેજમેન્ટ પોલીસ કેસ કરી હડતાળ પર ઊતરેલા કર્મચારીની કોલોનીમાં પીવાનુ પાણી બંધ કરી દીધું છે. આથી આ કર્મચારીઓની હડતાળનું સમાધાન થાય તે માટે શ્રમ અને રોજગાર વિભાગના આસિસ્ટન્ટ લેબર કમિશનર પાસે પણ રૂબરૂ મળી શ્રી દનિચાએ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી શ્રમ વિભાગ દ્વારા આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવાયો નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer