ભચાઉનો કોલેજીયન અમદાવાદ ખાતે 95 હજારના શરાબ સાથે ઝડપાયો
ભુજ, તા. 19 : પૂર્વ કચ્છના ભચાઉ નગરમાં કાર્યરત કોલેજમાં વિનયન પ્રવાહના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો 22 વર્ષની વયનો ધર્મેન્દ્રાસિંહ શિવુભા જાડેજા અમદાવાદ ખાતે ત્યાંની પોલીસના હાથે રૂા. 95 હજારની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે ઝડપાયો હતો.  આસાનીથી રૂપિયા કમાવવા માટે દારૂના ધંધાની લતે ચડી ગયેલા ભચાઉના આ યુવાનની દારૂની આ ચોથી ખેપ હતી. સેલવાસ ખાતેથી અલગઅલગ દુકાનેથી દારૂ લીધા બાદ તેને કોથળાઓમાં ભરીને તે ઉતારુ રિક્ષામાં સાણંદ જઇ રહ્યો હતો ત્યારે રિંગરોડ ઉપર ચેકપોસ્ટ ખાતેથી વટવા પોલીસે તેને પકડી પાડયો હતો. આ યુવાનના કબ્જામાંથી રૂા. 95 હજારની કિંમતનો 18 પેટી શરાબ મળી આવ્યો હતો.  ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રહેતો ધર્મેન્દ્રાસિંહ અગાઉ સેલવાસ અને મહારાષ્ટ્રથી દારૂ ખરીદીને ભચાઉ લઇ ગયો હોવાનું અને ત્યાં છૂટકમાં વેચાણ કરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ વખતે તે સેલવાસથી કોથળાઓ સાથે એસ.ટી. બસમાં અમદાવાદ આવ્યો હતો. આ પ્રકરણમાં રિક્ષા કબ્જે થવા સાથે તેનો ચાલક પણ ભેરવાઇ ગયો છે. વટવા પોલીસે ધર્મેન્દ્રાસિંહના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.