સંગીતક્ષેત્રે કોઠારા, નલિયા અને જખૌ 1947થી 1980 સુધી યશસ્વી રહ્યાં
ભુજ, તા. 19 :  અહીં બે વર્ષથી કાર્યરત વૃક્ષમિત્ર સંગીત સભા દ્વારા કોઠારા ખાતે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં જાણીતા સંગીતજ્ઞ જયકિશન મેઘનાનીએ સંગીત ક્ષેત્રે કોઠારા, નલિયા અને જખૌ 1947થી '80 સુધી યશસ્વી રહ્યાનું જણાવ્યું હતું.  દોઢ વર્ષથી વૃક્ષમિત્ર સંગીત સભામાં નિયમિતપણે ભાગ લઇ રહેલા કોઠારાવાળા વસંતભાઇ જોશીએ તેમના સ્વર્ગવાસી મિત્ર નારાણજીભાઇને યાદ કરી કાર્યક્રમ આપવાનું આમંત્રણ આપતાં `મંદિરનો સાદ ત્યાં વૃક્ષમિત્ર સંગીત સભાનો નાદ'? એવા સંકલ્પ સાથે કાર્યરત સભાને પિંગલેશ્વર મહાદેવ મંદિરનો સાદ થયો અને 42 સંગીતપ્રેમીઓએ કોઠારામાં શ્રી જોશીની વાડીએ 11થી 4 વાગ્યા સુધી લોકગીતો, ભજનો અને જૂના જમાનાના ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી હતી.  કરાચીથી ભુજ આવેલા સંગીતયજ્ઞ જયકિશન મેઘનાનીએ ભૂતકાળમાં ઇન્કમટેક્ષના કામ માટે કોઠારા જવાનું થતું ત્યારે ડો. રાવ અને લક્ષ્મીશંકર રાવલની સંગીત સભાના સંસ્મરણો વાગોળ્યા હતા. કચ્છ મ્યુઝીયમના પૂર્વ મુખ્ય અધિકારી દિલીપભાઇ વૈદ્યએ જી.ટી. હાઇ.માં ભણ્યા તે વખતના પ્રસંગો વર્ણવ્યા હતા. નલિયાના દિનેશભાઇ મડૈયારે અને કોઠારાના લક્ષ્મણભાઇ સોલંકી, ભુજના નવીનભાઇ યાદવ, કોઠારાના ભજનપ્રેમી જાદવજીભાઇ ગણાત્રા,  કોઠારાના પ્રકાશભાઇ ત્રિપાઠીએ સાથીઓને યાદ કરી સંસ્મરણો વાગોળ્યાં હતાં.  આ પ્રાસંગિક પ્રવચનમાં વૃક્ષમિત્ર સંગીત સભાના સંચાલક સચિનભાઇ ઉપાધ્યાયે 1950થી 1980 દરમ્યાન કોઠારાના સંગીતપ્રેમીઓ ડો. રત્નાકર રાવ, લક્ષ્મીશંકર રાવલ, મેઘજીભાઇ ગૈધર, બાબુભાઇ અબોટી વિ.ને યાદ કરી અંજલિ આપી હતી. સંગીત સભાના મુરબ્બી મંડળના એડવોકેટ ખોડીદાનભાઇ ગઢવીએ શુભેચ્છા આપી હતી. યજમાન વસંતભાઇએ સ્વર્ગવાસી મિત્ર નારાણજીભાઇને અંજલિ આપી હતી.   સાંજના સૌ કલાકારોએ પિંગલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભજનની રમઝટ બોલાવી હતી.