ચોબારી પંથકમાં આનંદ, જય નર્મદે માત કી...

ચોબારી પંથકમાં આનંદ, જય નર્મદે માત કી...
ચોબારી, તા. 18 : રાપર તાલુકાનાં ગામોમાંથી થઈને આજે સવારે સાડાનવ વાગ્યે નર્મદા નહેરમાં ભરૂડિયા ગામે પાણી પહોંચતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ માનવમેદની ઊમટી હતી અને સ્વયંભૂ પોતે જ લોકો ઉત્સૂકતાપૂર્વક જોડાઈને ઉત્સવ મનાવવામાં મશગુલ બન્યા હતા. સાંજે નર્મદાનાં નીર ચોબારી પહોંચે એવી ધારણા છે. ભરૂડિયા ગામના સરપંચ તેમજ ભરૂડિયા તાલુકા પંચાયતના સભ્ય સવજીભાઈ ચાવડા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમ કણખોઈ મુકામે પણ ઉત્સાહપૂર્વક નર્મદા નહેરને સરપંચ સવજીભાઈ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને નર્મદા નીરના વધામણા કર્યા હતા. તો ચોબારી, મનફરા, કડોલ વગેરે સ્થળે પણ ઉત્સાહપૂર્વકની તૈયારીઓ આદરી દેવાઈ છે. વરસો પહેલાં વડીલોએ જોયેલા સપનાં સાકાર થતાં હોઈ કેટલાક લોકોએ સમયને વાગોળતાં કહ્યું હતું કે, અમારા વડીલો કહેતા કે જીવતા હશે તે એ જોશે એ સમય આપણા માટે અવસર બનીને આવ્યો છે એવી લાગણી વ્યકત કરી હતી. ભરૂડિયા ગામેથી પસાર થઈ સીધા રણમારગથી ચોબારી આવેલા બાંભણકાના શાંતિલાલ અને મોમાયભાઈ મારાજે કહ્યું કે સીધા રણમારગેથી આવ્યા છીએ, નર્મદા નહેરનું પાણી ભરૂડિયાથી બોટલમાં ભરી જઈને છેક બાંભણકા-ખડીરમાં ચરણામૃત માટે લઈ જશું અને સાથે-સાથે વડાપ્રધાન અમારી સામેય જુએ અને સીધો રણમાર્ગનો રસ્તો આપી દે એવી આશા પણ છે. આમ લોકોમાં અનેરા ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર વિવિધ આયોજનો થઈ રહ્યા છે. નર્મદા નીર જેમજેમ કેનાલમાં આગળ વધતાં ગયાં તેમતેમ લોકો તેના સાથે રહ્યા છે. ગાડી, બાઈક જે મળ્યું તે વાહન લઈને સૌ કેનાલ તરફ પહોંચી રહ્યા છે. ચોબારીથી થોડે દૂર એક વડીલે પાઘડી ઉતારીને નર્મદા મૈયાને વંદન કર્યા હતા.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer