કેપીટીનાં 996 કરોડનાં છ કામ હાથ ધરાશે

કેપીટીનાં 996 કરોડનાં છ કામ હાથ ધરાશે
ગાંધીધામ, તા. 18 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 22મીના કચ્છ પ્રવાસ સંદર્ભે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા 996 કરોડના વિવિધ વિકાસકામોનું તેમના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવાનું છે તે સંદર્ભે આજે સમીક્ષા કરવા આવેલા કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયાએ પત્રકાર પરિષદમાં કંડલાનો ખૂબ જ વિકાસ થશે તેવી લાગણી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે કંડલામાં ઊભા થનારાં ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીમાં ફર્નિચર પાર્ક આવી રહ્યો છે. અત્યારે લોકો ચીનમાં ફર્નિચર ખરીદવા જઇ રહ્યા છે. એક સમય એવો આવશે કે વિશ્વના લોકો અહીં કંડલામાં ફર્નિચર ખરીદવા આવશે. કંડલા, દહેજ, પીપાવાવને કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં ફેરવવામાં આવ્યા છે. કંડલામાં વિકાસની ખૂબ તકો પડેલી છે તેવું તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનના હસ્તે સ્માર્ટ સિટીનું ભૂમિપૂજન થયું હોત તો સારું હતું તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે સ્માર્ટ સિટીની પ્રક્રિયા ઘણી લાંબી છે. વડાપ્રધાને પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ આગળ વધવા આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટીની કંડલા તથા ગાંધીધામની દરખાસ્તમાં પર્યાવરણીય મંજૂરી  બાકી છે. રૂા. 15.26 કરોડના ખર્ચે ગાંધીધામમાં ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું ખાતમુહૂર્ત વડાપ્રધાન 22મીએ કરવાના છે તેમાં પણ જનસુનાવણી સહિતની પ્રક્રિયા બાકી હોવાનું પત્રકારોએ ધ્યાન દોરતાં તે અંગે જી.ડી.એ. સાથે વાત કરવાનું ચેરમેન રવિ પરમારે જણાવ્યું હતું. કંડલામાં 14મી કારગો જેટીનું રૂા. 253 કરોડના ખર્ચે અને 16મી કારગો જેટીનું રૂા. 278 કરોડના ખર્ચે નિર્માણ કરવું, કચ્છ સોલ્ટ જંકશન પર રેલવે બ્રિજ રૂા. 233 કરોડના ખર્ચે બાંધવો તથા કંડલા બંદરે રૂા. 122 કરોડના ખર્ચે ખાતર હેન્ડલિંગ મિકેનિક વર્ક કરવું, રૂા. 94 કરોડના ખર્ચે બે મોબાઇલ હાર્બર ક્રેન એમ કુલ્લે 996 કરોડના કામોનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત-લોકર્પાણ થશે તેવું કેન્દ્રીય મંત્રીના અંગત સચિવ સાગર પીમાણીની યાદીમાં જણાવાયું હતું. નિર્ધારિત સમયથી એકાદ કલાક મોડા આવેલા શિપિંગ રાજ્યમંત્રીએ સૌ પહેલાં એરપોર્ટથી ગાંધીધામ આવી રોટરી સર્કલ નજીક દાદા ભગવાન કેપીટી એક્ઝિબીશન મેદાન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ અર્થે તૈયાર થતા મંડપનું નિરીક્ષણ કર્યું હતું. કેપીટીના પ્રશાસનિક કાર્યાલય પહોંચીને સ્માર્ટ સિટીના મોડેલને નિહાળ્યું હતું. કેપીટીના અધિકારીઓ, ગાંધીધામ ચેમ્બર, કેપીટી ટ્રસ્ટીઓ,વપરાશકારો સાથે બેઠક પણ યોજી હતી. વડાપ્રધાન ગાંધીધામ બપોરે 2 વાગ્યે કાર્યક્રમ સ્થળે પહોંચશે તેવી માહિતી પણ રાજ્યમંત્રીએ આપી હતી. તેમની આજની મુલાકાતમાં કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસદ વિનોદભાઇ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઇ આહીર, ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, તારાચંદભાઇ છેડા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કેપીટી ટ્રસ્ટી આર.સી. ફળદુ, માવજીભાઇ સોરઠિયા, પ્રદેશ સંગઠનના અગ્રણી ગોરધનભાઇ ઝડફિયા વગેરે જોડાયા હતા.     

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer