માધાપરમાં આઇ.પી.એલ. સટ્ટા બાબતે દરોડામાં ત્રણ બુકી કાયદાના સકંજામાં

માધાપરમાં આઇ.પી.એલ. સટ્ટા બાબતે  દરોડામાં ત્રણ બુકી કાયદાના સકંજામાં
ભુજ, તા. 18 : શહેરના પાદરમાં આવેલા વિકસિત અને સમૃદ્ધ એવા માધાપર ગામે ગતરાત્રે આઇ.પી.એલ. ક્રિકેટ સ્પર્ધામાં રમાડાતા સટ્ટા બાબતે પોલીસદળ દ્વારા જિલ્લા સ્તરેથી પડાયેલા વધુ એક દરોડામાં ગામના ત્રણ બુકી સટ્ટો રમાડતાં કાયદાના સકંજામાં ફસાયા હતા.  પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક  ગુનાશોધક શાખાએ બાતમીના આધારે માધાપર ગામે જૂનાવાસ વિસ્તારમાં નવી લાઇનમાં શેરી નંબર-2 ખાતે આ છાપો માર્યો હતો. જેમાં માધાપરના રહેવાસી એવા લિતેશ કાંતિલાલ ચૌહાણ, પાર્થ જેન્તીલાલ વાઘેલા અને ઉતમ કાનજી ટાંકને પકડી પડાયા હતા. આ ત્રણેય સામે ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા તળે ગુનો દાખલ કરાવાયો હતો.સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ ઇન્ડીઅન પ્રિમિયર લીગ (આઇ.પી.એલ.) ક્રિકેટ સ્પર્ધામાં ગઇકાલે રમાયેલી એલીમીનેટર સેમિફાઇનલની કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની ટવેન્ટી મેચ ઉપર આરોપીઓ હાર-જીત અને સેશનનો સટ્ટો ચલાવી રહ્યા હતા ત્યારે આ દરોડો પાડીને તેમને ઝડપી લેવાયા હતા. તહોમતદારો પાસેથી રૂા. 6800 રોકડા ઉપરાંત પાંચ મોબાઇલ ફોન, ટેલિવિઝન, સેટઅપ બોકસ તથા બે મોટર સાઇકલ સહિત કુલ્લ રૂા. 64300ની માલમતા કબજે કરવામાં આવી હતી.  એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ વનરાજાસિંહ રવુભા ઝાલાએ આરોપીઓ  સામે ગુનો દાખલ કરાવ્યો  હતો.  અત્રે   ઉલ્લેખનીય   છે કે  આઇ.પી.એલ.માં ચાલુ વર્ષે એકબાજુ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે અને રમાઇ રહ્યો છે. જેની સામે પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિક્રમજનક કહી શકાય તેટલા દરોડા પડાઇ ચૂકયા છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer