કાંઠાળ પટ્ટમાં ખીલ્યો કુદરતી રંગોનો નજારો

કાંઠાળ પટ્ટમાં ખીલ્યો કુદરતી રંગોનો નજારો
મોટા લાયજા  (તા. માંડવી), તા. 18 (પ્રતિનિધિ દ્વારા) : દરેક ઋતુમાં પ્રકૃતિનો પોતાનો આગવો અને નિરાળો અંદાજ હોય છે. તેમાંય કચ્છની તળપદી વનસ્પતિ અને આગવી ભુગોળ આગવું સૌંદર્યસભર પર્યાવરણ રચે છે. હાલ ચાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી વચ્ચે પણ કચ્છના અંતરિયાળ ગામડામાં પ્રકૃતિનો આગવો નજારો બળબળતા ગ્રીષ્મ વચ્ચે પણ પ્રકૃતિપ્રેમીઓનાં હૈયાંને શાતા આપે છે. માંડવી તા.ના કાંઠાળ પંથકના મોટા લાયજા વિસ્તારની સીમમાં કેરડાં (કચ્છીમાં જેને ડોરાં કહે છે)ને રતુમડાં ફૂલો આવતાં પ્રકૃતિ કસુંબલ રંગથી રંગાઇ છે. આ ડોરાં (કેરડાં) ઔષધીય ગુણો ધરાવતા હોવાથી કેરડાંનાં બોર જેવડાં ફળની ખૂબ માંગ રહે છે. અથાણામાં કેરડાંનું સ્થાન હોવાથી લોકોની પૂરક રોજગારીનું સાધન પણ બની રહ્યાં છે. કોઇપણ હિસાબે આવી વન્ય સંપદાનું જતન કરવું રહ્યું. તો કચ્છમાં નેવુંના દાયકા અગાઉના સમયમાં બાળકો માટે સૂકા મેવાની ગરજ સારતા લાલચટાક મધમીઠાં રસથી સભર લિયારની મોસમ પણ અત્યારે પૂરબહાર ખીલી ઊઠતાં પ્રકૃતિએ નવવધૂનો શણગાર સજ્યો છે. તો પ્રકૃતિની આવી રંગછટામાં સુવર્ણપિચ્છું ઉમેરે છે ઠેર-ઠેર ખીલી  મહોરી ઊઠેલા ગુલમહોરનાં વૃક્ષો. વસંત-ગ્રીષ્મના સંધિકાળે ગુલમહોરના વૃક્ષોમાં એક પણ પાંદડું ન હોતાં પ્રકૃતિએ લાલચટક સ્વરૂપ ધારણ કરતાં તળપદા પર્યાવરણના આ મેઘધનુષી રંગો ગ્રીષ્મની આગઝરતી લૂમાં  પ્રકૃતિપ્રેમીઓની આંખોને  ઠારકો આપે છે. શું આપણે  આપણી ભાવિ પેઢી માટે આ પ્રાકૃતિક સૌંદર્યનો નજારો બચાવી શકશું ખરા, તેવો સવાલ પણ થયા વગર રહેતો નથી.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer