જ્યારે આદિપુર તોલાણીના છાત્રોએ વડાપ્રધાનના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સૂત્રને સાર્થક બનાવ્યું

જ્યારે આદિપુર તોલાણીના છાત્રોએ વડાપ્રધાનના  સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સૂત્રને સાર્થક બનાવ્યું
ગાંધીધામ, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકસાવવા સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે. તોલાણી પોલીટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓએ ટાયર ફાટવાથી થતા અકસ્માતોને અટકાવવા નવી પદ્ધતિ વિકસાવી વડાપ્રધાનના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કર્યું છે. તોલાણી ફાઉન્ડેશન ગાંધીધામ પોલીટેકનિક કોલેજના મિકેનિકલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ ઓમકાર જાટાણી, મહેશ છાંગા, સચિન ડાંગર, વૈભવ પટેલે ઓટોમેટિક ટાયર ઇન્ફલેશન સિસ્ટમ (એટીઆઇ એસ) વિકસાવી છે.  આ પદ્ધતિ થકી ચાલતી ગાડીમાં ટાયરનું પ્રેશર જળવાઇ રહે અને ટાયર ફાટવાના લીધે થતા અકસ્માતોને સદંતર ટાળી શકાય છે. કોલેજના આચાર્ય પ્રો. વેંકટેશ્વરલુના જણાવ્યા પ્રમાણે દેશની અગ્રગણ્ય સંસ્થાના સર્વે પ્રમાણે અકસ્માતોને લીધે જાનહાનિ થતા કે અન્ય પ્રકારના નુકસાનના કારણે દેશના જીડીપીને પણ અસર પહોંચે છે. ચાલતી ગાડીમાં ટાયરનું પ્રેશર જળવાઇ રહે તે માટે અલગ અલગ સેન્સર અને રોટરી જોઇન્ટની મદદથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.  ચારેય વિદ્યાર્થીઓએ સતત એક વર્ષ સુધી મહેનત કરી આ સિસ્ટમ વિકસાવી છે. ટાયર ફાટવાના લીધે થતા અકસ્માતોને મહદઅંશે નિવારવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવાથી ચોક્કસ ફાયદો થશે. આ પદ્ધતિનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ હોતાં આ સિસ્ટમને પેટન્ટ ફાઇલ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના હેઠળ આ સિસ્ટમને ખૂબ જ સારી રીતે વિકસાવી શકાય તેમ હોવાનું કોલેજના આચાર્યએ જણાવ્યું હતું. મિકેનિકલ ઇજનેરી વિભાગના વડાએ સમગ્ર પદ્ધતિને રસપૂર્વક નિહાળી તેમની કાર્યક્ષમતા વિશે સંતોષ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રોજેકટના ગાઇડ તરીકે પ્રો. એચ.જી. સાગર, પ્રો. એમ.એસ. સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.    

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer