કેપીટીમાં પીપીપી પ્રોજેક્ટસની નિષ્ફળતાનું કારણ શું ?

કેપીટીમાં પીપીપી પ્રોજેક્ટસની નિષ્ફળતાનું કારણ શું ?
ગાંધીધામ, તા. 18 :  કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી બોર્ડે ગઇકાલની બેઠકમાં પીપીપીથી અપાયેલી બે જેટીઓના મુદ્દે ટર્મિનેશન મંજૂર કરી દેતાં વધુ એક વખત પીપીપી પ્રોજેકટની નિષ્ફળતા સામે આવી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) તળે અગાઉ એબીજી કન્ટેનર ટર્મિનલ પણ નિષ્ફળ ગયું હતું. ફરી એવું જ બે અન્ય જેટીઓ સાથે થતાં સંકુલમાં આ મુદ્દે કોઇ ષડયંત્ર તો નથી ખેલાતુંને તેવો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે. આ ત્રણે પ્રોજેકટને અંતે કેપીટીને અંદાજે 300થી 400 કરોડનું નુકસાન થયું છે, જે બાબત ગંભીર છે. કેપીટીના જ સૂત્રોના કહેવા પ્રમાણે થોડાં વર્ષ પહેલાં કેપીટીની જેટી નં. 11 તથા 12 રૂા. 200 કરોડના ખર્ચે બંધાયા પછી તેના ઉપર કન્ટેનર ટર્મિનલ ચલાવવા પીપીપી તળે ટેન્ડર બહાર પડાયાં હતાં. જેમાં એબીજીએ 49 ટકા રેવેન્યુ શેરિંગની ઓફર મૂકતાં તે સ્વીકારાઇ હતી. જેટી કેપીટીએ બાંધી હતી અને કરારની શરતો પ્રમાણે કસ્ટમ બોન્ડ એરિયા, રેલવે લાઇન વગેરે માળખાંકીય સગવડો કેપીટીએ આપવાની હતી. સામી તરફ એબીજીએ ક્રેન સહિતની સગવડો ઊભી કરવાની હતી. 49 ટકા રેવેન્યુ શેર કેપીટીને આપવાનો હતો, જે ગણિત મુજબ કેપીટીના કરોડો રૂપિયા લેણા થઇ ગયા હતા. એબીજીએ જરૂરી માળખાંકીય સવલતો કેપીટીએ નહીં આપતાં તકરાર ઊભી કરી અને રેવેન્યુ શેર આપવાનું બંધ કર્યું. પછીથી કેપીટીએ આ કરાર રદ કરી દેતાં એબીજી અદાલતમાં પહોંચ્યું જ્યાં કેપીટીને રૂા. 110 કરોડ ભરવા પડયા ! જાણે ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય તેમ પીપીપી તળે અપાયેલી 13 અને 15 નંબરની જેટીમાં પણ જરૂરી માળખાંકીય સવલતોનો પ્રશ્ન ખડો થયો. 13મી જેટી રાસ ઇન્ફ્રા પોર્ટસ લિ.ને 31 ટકાના રેવેન્યુ શેરિંગથી અપાઇ હતી. અત્યારે કેપીટીના આ જેટી ઉપર અંદાજે 100 કરોડનાં લેણાં નીકળે છે. આ 13 અને 15 (જે.આર. ઇ.ની) નંબરની આ બંને જેટીઓનું ટર્મિનેશન કરાતાં સંભવત: આ બંને અદાલતનો આશરો લેશે. હવે પ્રશ્ન એ ઊઠે છે કે પીપીપી તળે થયેલા કરાર મુજબ કેપીટી શા માટે માળખાંકીય સવલત ઊભી નથી કરતું ? શું જાણી જોઇને બીજી વખત આવી ભૂલ કરાઇ છે ? કે પછી પ્રશાસન છૂપી રીતે પીપીપી ભાગીદારોને મદદ કરી રહ્યું છે ? સામાન્ય રીતે કોઇપણ ભાગીદારી નફાના આધારે થતી હોય છે. અહીં પ્રોફિટ શેરિંગને બદલે રેવેન્યુ શેરિંગની શરત હોવાથી કોઇ પેઢી નફા સુધી પહોંચી શકતી નથી. આ બાબતે ભૂતકાળમાં શિપિંગ મંત્રાલયના સચિવે સ્થાનિક પ્રશાસનની રીતસર ઝાટકણી કાઢી હતી. તેમણે આ પ્રકારે કરાર થઇ જ ન શકે તેવું જણાવ્યું હતું. ટૂંકમાં પીપીપી પ્રોજેકટસની આ નિષ્ફળતા ફરીથી ઊભી થતાં જાણકારોમાં પ્રશાસન પ્રત્યે શંકા જાગે તે સ્વાભાવિક છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer