પ્રધાનમંત્રી આવાસ યોજના અર્થે ચાર જગ્યા ભરવા ગાંધીધામમાં 40 અરજી

ગાંધીધામ, તા. 18 : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો નગરપાલિકા કઈ રીતે બનાવશે તે તો હજુ નક્કી નથી પરંતુ આ માટે સુધરાઈ દ્વારા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા આદરાઈ છે. આ અંગેની અરજી કરવાની  મુદ્દત પૂરી થતાં ચાર પોસ્ટ માટે 40 અરજીઓ સુધરાઈને મળી છે. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સુધરાઈ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ ફોર ઓલની કામગીરી માટે અર્બન પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ સ્પેશિયાલિસ્ટ, મ્યુનિસિપલ સિવિલ ઈજનેર, સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને એમ.આઈ.એસ. એક્સપર્ટ એમ ચાર જગ્યા માટે અરજીઓ મંગાવાઈ હતી. અરજીઓ મંગાવવાની મુદ્દત તા. 13/5ના પૂરી થઈ હતી. મુદ્દત પૂરી થવાના અંતે ટાઉન પ્લાનિંગ સ્પેશિયાલિસ્ટ માટે માત્ર 4 અરજી, મ્યુનિસિપલ સિવિલ એન્જિનીયર માટે 18 અરજી, સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની પોસ્ટ માટે 11 અને એમ.આઈ.એસ. એક્સપર્ટ માટે 7 તેમજ આ પોસ્ટ માટે એક અરજી સમયમર્યાદા બાદ આવી હતી. હાલ સુધરાઈ તંત્ર વડાપ્રધાનના આગામી 22/5ના કાર્યક્રમમાં વ્યસ્ત છે. વડાપ્રધાનની મુલાકાત બાદ આગામી સપ્તાહમાં ઈન્ટરવ્યૂની તારીખ નક્કી કરાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આમ ઝૂંપડપટ્ટીધારકોને ઘરનું ઘર આપવાની આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં સુધરાઈ એક ડગલું આગળ વધી છે. પાલિકા દ્વારા 11 મહિનાના કોન્ટ્રેક્ટ પર ભરતી કરવામાં આવશે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer