0થી 18 વર્ષના અનાથ બાળકને પાલક માતા-પિતા યોજનાનો લાભ

ભુજ, તા. 18 : ગુજરાત સરકાર સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા 0થી 18 વર્ષના અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ અપાશે. સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા અનાથ બાળકોને અભ્યાસ અને સંતુલિત વિકાસ કરવાના હેતુથી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને રૂા. 1000 અપાતા હતા જે વધારીને રૂા. 3000 કરાયા છે. આ યોજના અંતર્ગત જે બાળકના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તે બાળકને લાભ મળતો હતો પરંતુ પિતાના મૃત્યુ બાદ માતાએ બીજા લગ્ન કરી લીધા હોય અને આ કારણે બાળક અનાથ થયો હોય તેને આ યોજનાનો લાભ મળતો નહીં,  પરંતુ આવા બાળકોનું હિત જળવાય, અને તે સુરક્ષિત જીવન વિતાવી શકે તેવા હેતુસર આ યોજનામાં ફરીથી સુધારો કરી હવેથી જે બાળકના પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા અનાથ બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે. જિલ્લામાં આવું કોઇ બાળક લાભથી વંચિત ન રહે તે માટે જિલ્લા કલેકટરે અનુરોધ કરી વધુ  માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, 402 બહુમાળી ભવન ફોન નં. 02832 252613 પર સંપર્ક કરવા જણાવ્યું છે.    

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer