ખખડી ગયેલો આંબલિયારાથી જંગીનો માર્ગ કોઈના ધ્યાને ન ચડતાં નારાજગી

ભચાઉ, તા. 18 : છેલ્લા બારેક વર્ષથી બનેલો અને ખખડી ગયો હોવા છતાંય અનેક રજૂઆતો પછી પણ આંબલિયારા જંગી 9 કિ.મી.નો માર્ગ ન બનતાં આ ગામના લોકોમાં આક્રોશ ફેલાયો છે. કાંઠા ચોવીસી આહીર સમાજના યુવા પ્રમુખ ગણેશા રાજાભાઈ હેઠવાડિયાએ કહ્યું કે, પાંચ વર્ષ પછી નવા માર્ગ બને પરંતુ આ માર્ગ પર ઓરમાયું વર્તન રખાય  છે. નવ કિ.મી.ની ખેતીની સીમ અને આંબલિયારા-જંગી ગામ સાથેના સામાજિક વ્યવહારોથી આવન-જાવન રહે છે. આ માર્ગ અત્યારે મોટરસાયકલ ચાલે તેવો પણ નથી રહ્યો. કરોડોના રોકાણવાળી ચારે તરફ પવનચક્કીઓ ચાલે છે પણ આ માર્ગની કોઈ તકેદારી નથી રખાઈ. અગાઉ નીમાબેન કોંગ્રેસમાં ધારાસભ્ય હતા ત્યારે બન્યો પછીથી રાપર મત વિસ્તારમાં આ વિસ્તાર ગયો. રજૂઆતો, સમસ્યા કોઈ સાંભળતું નથી તેવું યુવા અગ્રણી ગણેશાભાઈ હેઠવાડિયાએ કહ્યું હતું. રજૂઆતો આવેદનપત્ર બાદ હવે આંદોલનનો માર્ગ અપનાવવા ગ્રામજનો તૈયારી કરી રહ્યા છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer