કોંગ્રેસે મહિલા ધારાસભ્ય, એસ.પી. અને ચાર પોલીસ અફસર સામે નોંધાવી ફરિયાદ
ભુજ, તા. 20 : ભુજ વિભાગના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની કાર પર લોરિયા નજીક થયેલા પથ્થરમારાનો બનાવ રાજકીય ચર્ચાના ચગડોળે ચડયો છે ત્યારે કોંગ્રેસે શકમંદ આરોપીઓ તરીકે પક્ષના કાર્યકરોની ધરપકડના વિરોધમાં જિલ્લા પોલીસવડા અને ચાર અધિકારી અને ઇન્સ્પેકટર સામે ફરિયાદ અહીંની અદાલતમાં દાખલ કરતાં આ પ્રકરણમાં નવો ગરમાગરમ રંગ ઉમેરાયો છે. લોરિયા ગામના રહેવાસી એવા ભુજ તાલુકા કોંગ્રેસના મહામંત્રી ખેતુભા શિવુભા જાડેજાએ આજે અત્રેની ચીફ કોર્ટમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક મકરંદ ચૌહાણ, ધારાસભ્ય, ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર વી.કે. ખાંટ અને સબ ઇન્સ્પેકટર એમ.આર. પરમાર અને સી.પી. વાઘેલા તથા સ્થાનિક ગુનાશોધક શાખાના ફોજદાર વાય.બી. ગોહિલ સામે વિવિધ કલમો તળે આ ફરિયાદ નોંધાવી હતી. ભુજ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે અને કેસની તપાસ પોતાના હસ્તક જ રાખી છે. ફરિયાદમાં મુકાયેલા આરોપ મુજબ મહિલા ધારાસભ્યને રાજી રાખવા અને તેમની વાહવાહ લૂંટવા માટે તેમના ઇશારે પોલીસે ભાજપના આ આંતરિક ડખ્ખાને લઇને જન્મેલા પ્રકરણમાં કોંગ્રેસી અગ્રણી અને છ કાર્યકરોને સંડોવી દીધા છે. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમને છળથી બોલાવી કાયદાનો ભંગ કરીને તેમની ખોટી અટકાયત કરવામાં આવી છે. જામીન ન આપવા સાથે કબૂલાતો લખાવી લેવાનો અને ખોટા પુરાવા સહિતના આરોપ મૂકવામાં આવ્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે એક બાજુ આ હુમલા પ્રકરણ રાજકીય રીતે ગાંધીનગર કક્ષાએ પહોંચી ચૂકયું છે ત્યારે બીજી બાજુ અદાલતના માધ્યમથી આ ફરિયાદ દાખલ થતાં સમગ્ર મામલો વધુ ગરમ અને રાજકીય દાવપેચવાળો બની ગયો છે.  ફરિયાદી ખેતુભા જાડેજાએ તેમની આ ફરિયાદ ભુજના વરિષ્ઠ ધારાશાત્રી કે.ટી. ચૌધરી મારફતે દાખલ કરાવી હતી. આ કાર્યવાહીમાં શ્રી ચૌધરી સાથે વકીલો વિજય પુષ્પદાન ગઢવી, નારૂભા એલ. વાઘેલા અને ધર્મેન્દ્ર જોશી સાથે રહ્યા હતા.