આડેસર પાંજરાપોળમાં આગ લાગતાં 30 લાખ રૂપિયાની કડબ સ્વાહા
આડેસર પાંજરાપોળમાં આગ લાગતાં 30 લાખ રૂપિયાની કડબ સ્વાહા આડેસર (તા. રાપર), તા. 20 : અહીંના ડીંડયા તળાવ બાજુ આવેલી પાંજરાપોળમાં આજે રાત્રે આઠેક વાગ્યે કોઇપણ કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં ગોદામમાં રાખેલો એંસીથી સો ગાડી જેટલો કડબનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂા. 28થી 30 લાખ થવા જાય છે તે આ આગમાં સ્વાહા થઇ ગયો છે. પાંજરાપોળના  ટ્રસ્ટી રમણીકભાઇ દોશીએ જણાવ્યું હતું કે, અંદાજે ચાર માસ પહેલાં લીલી કડબ લીધા બાદ બે માસ તેને સૂકવીને ગોદામમાં રાખી હતી. ગુરુવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. અગ્નિશમન દળ અને પોલીસને જાણ કરાઇ હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રાપર નગરપાલિકા અગ્નિશમન દળ અને સામખિયાળીથી ભેલ ઇન્ડિયા લિ.નું પણ ફાયર ફાઇટર આડેસર પહોંચી આવ્યું હતું. ઉપરાંત પાણીના ટ્રેકટર અને ટેન્કરોથી પણ પાણીનો મારો ચલાવ્યા બાદ રાત્રે 11 વાગ્યે હજુ આ લખાય છે ત્યારે પણ આગ પૂરેપૂરી કાબૂમાં આવી ન હોવાનું ઘટનાસ્થળેથી જાણવા મળી રહ્યું છે. આ આગ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં ઘટનાસ્થળે જિ.પં.ના સભ્ય કાલાભાઇ, તા.પં.ના સભ્ય જયદીપસિંહ, આડેસરના સરપંચ, ઉપસરપંચ, પાંજરાપોળના પ્રમુખ, ટ્રસ્ટીઓ  તેમજ ગ્રામજનો આગને બુઝાવવાના પ્રયત્નોમાં લાગી ગયા છે.