દેશના સાક્ષરતા અભિયાનથી કચ્છના પાંચ તાલુકા વંચિત
મનજી બોખાણી દ્વારા  ગાંધીધામ, તા. 20 : કેન્દ્ર સરકારના  રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન દ્વારા દેશભરમાં અશિક્ષિત યુવાનો તથા પ્રૌઢ અને મહિલાઓ માટે રાત્રિ શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે. જિલ્લાના ગાંધીધામ, ભુજ, રાપર, ભચાઉ અને લખપત તાલુકાના ગામડાઓમાં  આવા વર્ગો લેવાય છે, પરંતુ શહેરી વિસ્તારોમાં લેવાતા નથી, તો માંડવી, મુંદરા, અબડાસા, અંજાર અને નખત્રાણાના  શહેરી અને ગ્રામ્યકક્ષાએ આવા વર્ગો લેવાતા જ નથી. અશિક્ષિતોને શિક્ષિત કરનાર આ યોજનામાં  થોડા દિવસ અગાઉ લેવાયેલી પરીક્ષામાં 15થી 70 વર્ષના 3582 વિદ્યાર્થીઓએ  પરીક્ષા આપી હતી. આવી યોજનાઓના પ્રચાર-પ્રસાર અને સ્ટાફ ઘટની સમસ્યાના કારણે આવી મહત્ત્વની યોજના અંગેનો સંદેશ લોકો સુધી પહોંચી શકતો નથી. ત્યારે આવી યોજનાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી, શિક્ષિત યુવાનોને પ્રેરણા પૂરી પાડી, પગાર ધોરણમાં  વધારો કરવામાં આવે તો જિલ્લાના અન્ય તાલુકા, શહેરોમાં પણ અશિક્ષિત લોકો આવી યોજનાનો લાભ લઇ શકે તેમ છે. કેન્દ્ર સરકારના જનશિક્ષણ સંસ્થાન દ્વારા ચલાવાતી આ યોજનામાં  15થી 70 વર્ષ સુધીના અશિક્ષિત ત્રી-પુરુષો લાભ લઇ શકે છે. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનના આ કાર્યક્રમને અગાઉ રાત્રિ શાળા તરીકે પણ ઓળખવામાં આવતો હતો.ભૌગોલિક દૃષ્ટિએ દેશમાં સૌથી મોટા અને સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લામાં પણ કેટલાક સમયથી આ યોજના ચાલી રહી છે. શિક્ષણ મેળવવા માગતા લોકોને અભ્યાસ કરાવવા જે-તે ગામમાં પ્રેરક (શિક્ષક) તૈયાર કરવામાં આવે છે. આવા શિક્ષકોને રૂા. 2000નું માનદ્ વેતન આપવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યા જોઇને કોઇ ગામમાં બે અથવા તેનાથી વધારે શિક્ષકો પણ રાખવામાં આવતા હોય છે. આવી શાળામાં બેસનારા વિદ્યાર્થીઓની વર્ષમાં માર્ચ અને ઓગસ્ટ એમ બે વાર પરીક્ષા લેવામાં આવતી હોય છે. પ્રથમ પરીક્ષા પાસ કરનારને ધો. 3 અને બીજી પરીક્ષા આપનાર વિદ્યાર્થીને ધો. 5નું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હાલમાં  11 દિવસ અગાઉ લેવાયેલી પરીક્ષામાં  ભુજ તાલુકાના 900, ભચાઉ તાલુકાના 900, લખપત તાલુકાના 570, ગાંધીધામ તાલુકાના 712 અને રાપર તાલુકાના 500 એમ સમગ્ર જિલ્લામાં 3582 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ આ પાંચેય તાલુકાના શહેરી વિસ્તારોમાં તથા માંડવી, મુંદરા, અબડાસા, અંજાર અને નખત્રાણાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવી શાળાઓ  ચાલતી જ નથી, જે અહીંના અશિક્ષિત લોકો માટે કમનસીબી છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ સેવાઓ, યોજનાઓને ડિજિટલ કરવામાં આવી રહી છે, પરંતુ અશિક્ષિત લોકો માટે આવો ડિજિટલ યુગ શું કામનો તેવા પ્રશ્નો પણ ચર્ચાઇ રહ્યા છે. જો લોકોને લખતાં, વાંચતાં જ ન આવડતું હોય તો આવી તમામ સુવિધાઓ, યોજનાઓ વ્યર્થ જતી હોવાનું સમજાય છે. આવી શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પેન, પેન્સિલ પાટી-બુક સહિતની શિક્ષણકિટ આપવામાં આવે છે, પરંતુ પ્રચાર-પ્રસારના  અભાવે હજુ પણ પાંચ તાલુકાના લોકો આવી યોજનાથી વંચિત રહ્યા હોવાનું સમજાય છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઇએ. તો ડો. બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ સિંહણનું દૂધ છે જે તેને પીશે તે સિંહની જેમ ગર્જના કરશે, તેમ કહ્યું હતું. પરંતુ કચ્છના  હજુ સુધી અનેક લોકો અશિક્ષિત છે. આ અંગે ભુજના નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમારનો સંપર્ક કરતાં પાંચ તાલુકામાં અને અન્ય શહેરી વિસ્તારોમાં આ સેવા ચાલુ ન હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમજ આવા વિસ્તારોમાં  શાળાઓ શરૂ કરવા સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક શિક્ષિત યુવાનોને મળી પ્રેરણા આપી તેમને આ યોજનામાં જોડાવવા અમારા પ્રયત્નો ચાલુ હોવાનું ઉમેર્યું હતું