છસરાના અતિથિ બન્યા `ચાર્લી ચેપ્લિન''
છસરાના અતિથિ બન્યા `ચાર્લી ચેપ્લિન'' મુંદરા, તા. 20 : તાલુકાના છસરા ગામના પ્રતિષ્ઠિત ફિલ્મ સ્કોલર અને નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમાના સલાહકાર - કયુરેટર તેમજ ચેપ્લીન-ટાઉન તરીકે જગપ્રસિદ્ધ થયેલા આદિપુર શહેર સ્થિત ચાર્લી સર્કલ ફાઉન્ડેશનના અધ્યક્ષ અમૃત ગંગરના આમંત્રણથી ચાર્લી ચેપ્લીનના એકવીસમી સદીના અવતાર સમાન ગણાતા કેનેડાના જેસન એલિને 17મી એપ્રિલના દિવસે મુંદરા તાલુકાના છસરા ગામની મુલાકાત લઈ પ્રદક્ષિણા કરી હતી.  આદિપુરના ચાર્લી સર્કલના પ્રણેતા અને સ્થાપક ડો. અશોક આસવાની કચ્છના ચેપ્લીન ગણાય છે અને તેમની નામના પણ વિશ્વભરમાં પ્રસરી ચૂકી છે દર વર્ષની 16મી એપ્રિલના દિવસે આદિપુર શહેર `ચેપ્લીનમય' બની જાય છે. આ દિવસે નીકળતી ચેપ્લીન પરેડે ખૂબ નામના મેળવી છે. સ્વિત્ઝર્લેન્ડનમાં જ્યાં ચાર્લી ચેપ્લીન રહેતા હતા એ વવે ગામની મુલાકાત લઈ ચૂકેલા અમૃત ગંગરે ચાર્લી ચેપ્લીન વિશે એક અભ્યાસપ્રદ પરિચય પુસ્તિકા પણ લખી છે, જે ગુજરાતી વાચકોમાં ખૂબ પ્રિય થઈ છે.  માથે ડર્બી હેટ જેવો ટોપો, ઢીલું, કોથળા જેવું પાટલૂન,  ટૂંકો- સાંકડો કોટ,  બેઢંગા કદરૂપા ખાસડા પહેરેલા ને હાથમાં નેતરની વાંકી વળેલી સોટી લઈને પેંગ્વિન પક્ષીની જેમ ડગુમગુ ડગુમગુ ચાલ ચાલતા ચાર્લી ચેપ્લીનને જોઈને છસરાવાસીઓને ખૂબ જ રમૂજ ઊપજી હતી. નાના ભૂલકાઓ તો ગેલમાં આવી ગયા હતા. ગામની લગભગ ખંડેર થઈ ગયેલી સૂમસામ શેરીઓને અને તેમાં રહેલા ડેલા-ડેલીઓને કેનેડાના આ ચાર્લી ચેપ્લીને તેમની હાસ્યસભર ને સ્ફૂર્તિલી હાજરીથી જીવંત કરી દીધા હતા. ચાર્લી ચેપ્લીને ગંગરોની કુળદેવી હિંગળાજ, ગાલાઓના કુળદેવતા જખદેવ અને બારી બહાર દેતળ પર આવેલા કરોલપીરની સમીધનાં પણ દર્શન કર્યાં હતાં.  ગામમાં હાજર રહેલા બાળકો તેમજ ગ્રામજનોએ તેમની સાથે  સમૂહ ફોટો પણ પડાવ્યા હતા. સંધ્યાકાળ વખતે ચાર્લી ચેપ્લીને છસરાના ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરતા છ પાળિયાની પ્રદક્ષિણા કરી હતી. તેમની હાજરીથી આ છ પાળિયા સહિત છસરા ગામનું ઝીણવટભર્યું સ્થિર ચિત્રો દ્વારા દસ્તાવેજીકરણ પણ થવા પામ્યું છે. આ દસ્તાવેજીરણમાં કેનેડાના અને જેસન એલિનના ફોટોગ્રાફર સાથી બ્રાયન કિશોમ અને મુંદરાના જાણીતા ફોટોગ્રાફર અશોક ચૌધરીએ ખૂબ કિંમતી અને સૂઝપૂર્વકનું અનુદાન આપ્યું છે.  છસરા ગામની ચાર્લી ચેપ્લીનની મુલાકાતને સમીર દીપક ચોથાણી,  કીર્તિ મગનલાલ પટેલ અને નવીનભાઈ ગંગર તેમજ સમસ્ત ગામવાસીઓએ ખૂબ સગવડભરી બનાવી હતી. `ચાર્લી ચેપ્લીન'ની છસરા ગામની આ મુલાકાત અવિસ્મરણીય બની રહેશે.