પરીક્ષા તંત્ર માટે ઉપયોગી બન્યું ખાસ સોફ્ટવેર

ભુજ, તા. 20 : કચ્છ યુનિવર્સિટીમાં ગત વર્ષે વિવિધ પરીક્ષાલક્ષી સુધારાઓ થયા બાદ આ વર્ષે પણ તબક્કાવાર જરૂરી પરીક્ષા સબંધી અને વિદ્યાર્થીઓને નવી સુવિધાઓ આપતા ડિજિટલાઈઝેશન સબંધી સુધારાઓ કરવામાં આવ્યા છે. પ્રશ્નપત્રોની સુરક્ષા અને યોગ્ય સંખ્યામાં તેને કેન્દ્રો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરતા સ્ટ્રોંગરૂમ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે, તો કોઈ વિષયમાં છાત્રને અસંતોષ જણાય તો ફેરમૂલ્યાંકન માટે યુનિ.નો ધક્કો ખાવો નહીં પડે, હવે ઓનલાઈન અરજી કરવાની સુવિધા શરૂ થઈ છે. પરીક્ષા નિયામક તેજલ શેઠ સાથે આ સબંધે વાત કરતાં તેમણે જણાવ્યું કે, પહેલાં પ્રશ્નપત્રો છપાઈને આવતાં તેનું પરીક્ષાના આગલા દિવસે શોર્ટિંગ થતું અને કેન્દ્રો તથા બ્લોકમાં અને જે-તે તારીખ-વિષયમાં જરૂરિયાત પ્રમાણે સંખ્યામાં મોકલવામાં આવતા. પરંતુ હવે એવું સોફટવેર વિકસાવવામાં આવ્યું છે કે જેમાં પરીક્ષા સબંધી આંકડાઓ અને વિગતો પ્રિન્ટિંગ પ્રેસને જ મોકલવાથી તેઓ એ જ પ્રમાણે શોર્ટિંગ કરેલા પેકેટ મોકલશે. જે ખોલવા પણ નહીં પડે. સામાન્ય તપાસ બાદ સીધા કેન્દ્રમાં મોકલાશે. જેનાથી કામ અને સમય બચશે. અગાઉ પરીક્ષાની આગલી મોડી રાત સુધી કર્મચારીઓ કાર્ય કરી  જહેમત ઉઠાવતા તેમાં સમય  બચશે. આ પરીક્ષા ડેટા આધારિત સ્ટ્રોંગરૂમ એપ્લિકેશન ઉપરાંત પણ વિવિધ ફોર્મ, પ્રોવિઝનલ માર્કશીટ, માઈગ્રેશન, અરજીઓ સબંધી એપ્લિકેશનો પર કામ ચાલી રહ્યું છે અને આ પૂર્ણ ડિજિટલાઈઝેશન તરફ આગળ વધતી યુનિ.માં હવે ફેરમૂલ્યાંકન માટે હાથેથી ફોર્મ ભરવું નહીં પડે. આ સબંધે સંપર્ક કરતાં સિસ્ટમ ઈન્જિનીયર ડો. અમર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, પરિણામ જાહેર થયા બાદ ફેર ગુણ ચકાસણી કરવી હોય તો પહેલાં રૂબરૂ યુનિ.માં આવી ફોર્મ અને ફી ભરવી પડતી હતી. હવે એડમિશન પ્રક્રિયાની જેમ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફી પણ નેટ બેંકિંગ કે કાર્ડની મદદથી ભરી શકાશે. યુનિ.નો ધક્કો બચશે ને ઝડપ પણ વધશે. આ સિવાય તેમણે યુનિ. હવે ટૂંક સમયમાં ટેલિફોન આધારિત આઈવીઆરએસ (ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ) દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપતું કેન્દ્ર શરૂ કરવા જઈ રહી હોવાની જાણકારી આપી હતી. જેમાં કોઈ છાત્ર કોલ કરશે તો ભાષા પસંદગી અને કયા ડિપાર્ટમેન્ટ કે વિષય સબંધી જાણકારી જોઈએ છે તે મુજબ ફોન ટ્રાન્સફર થશે ને માહિતી મળી જશે, જેમાં  કોલ રેકોર્ડ થશે. આ સિવાય ભવિષ્યમાં બી.એડ. કોર્સના એડમિશનના કોલેજ પસંદગીના રાઉન્ડ પણ ઈજનેરી-મેડિકલની જેમ ઓનલાઈન ચોઈસ ફિલિંગ સુવિધા ધરાવતા બનાવવા માટે પણ કુલપતિ ડો. સી.બી. જાડેજાનાં માર્ગદર્શનમાં તૈયારી ચાલી રહી છે. ગુજરાત યુનિ.માં લગભગ દોઢ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી આ પ્રકારની સુવિધા હવે કચ્છના છાત્રોને મળશે. સમગ્ર ટેકનિકલ-કોમ્પ્યુટર આધારિત સુવિધાઓ માટે યુનિ.નો કોમ્પ્યુટર-પ્રોગ્રામિંગ વિભાગનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer