કચ્છ-મુંબઇની વિશેષ ટ્રેનો આધુનિક ડબ્બાથી સજ્જ
ઉદય અંતાણી દ્વારા  ગાંધીધામ, તા. 20 : રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સફરને વધુ આરામદાયક બનાવવા વિવિધ રાજધાની શતાબ્દિ એકસપ્રેસમાં એલ.એચ.બી. કોચ (લિન્ક હાફમેન બુશ)નો ઉપયોગ કરાય છે. પશ્ચિમ રેલવેમાં  અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં આધુનિક કોચ સાથે ટ્રેન દોડાવાય છે ત્યારે કચ્છ મુંબઇ વચ્ચે દોડ?તી ટ્રેનમાં આ આધુનિક કોચ લગાડવા માટેની દરખાસ્ત કરાઇ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે તદ્ઉપરાંત વેકેશન સ્પેશ્યલ ટ્રેન તમામ કોચ એલ.એચ.બી. કોચ સાથે જ દોડાવાશે તેવું જાણવા મળ્યું છે. રેલવે પ્રશાસનના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદથી ઉપડતી શતાબ્દિ રાજધાની એકસપ્રેસ ટ્રેનોમાં લાંબા અરસાથી એલ.એચ.બી. કોચ જોડી દેવાયા છે. જર્મની ખાતે બનાવાયેલા અને હવે ભારતીય રેલવે દ્વારા કપુરથલ્લા રેલ કોચ ફેકટરી ખાતે બનાવાતા એલ.એચ.બી. કોચની બનાવટ, આધુનિક બ્રેકિંગ સિસ્ટમ, એરકન્ડિશનની સિસ્ટમ વગેરે જૂના કોચની તુલનામાં આધુનિક ઢબની છે જે પ્રવાસીઓની સફરને આરામદાયક અને આનંદદાયક બનાવે છે. ભુજ બાન્દ્રા વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત એસી સુપરફાસ્ટ એકસપ્રેસ દોડે છે હાલ આ ટ્રેન દૂરંતો રાજધાની એકસપ્રેસના કોચ જોડી દોડાવાઇ રહી છે. જે પૈકી કેટલાક કોચની હાલત ખસ્તા હોવાની રાવ પણ પ્રવાસીઓમાં ઊઠી છે. રેલવેના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફર્સ્ટ એસી., સેકન્ડ એસી. અને થર્ડ એસી કોચ સાથે દોડતી એસી એકસપ્રેસ ટ્રેનના તમામ કોચ એલ.એચ.બી. જોડવા  ઉચ્ચસ્તરે પત્ર વ્યવહાર કરાયો છે. આ અંગેની દરખાસ્ત થોડા દિવસો પૂર્વે જ કરાઇ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની દેશના વિવિધ રાજ્યો વચ્ચે દોડતી ટ્રેનો પૈકી એક પણ ટ્રેનમાં એલ.એચ.બી. કોચ જોડવામાં આવ્યા નથી. દરમ્યાન, કચ્છની ટ્રેનોમાં કાયમી ધોરણે આધુનિક કોચ જ્યારે જોડાય ત્યારે પરંતુ ભુજ-બાન્દ્રા વચ્ચે દોડનારી વેકેશન સ્પેશ્યિલ સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનના તમામ કોચ એલ.એચ. બી. જ હશે. 24-4ના રાત્રે બાન્દ્રાથી ઉપડી 25-4ના બપોરે આ ટ્રેન ભુજ પહોંચશે આમ ચાર વખત ભુજ બાન્દ્રા વચ્ચે દોડનારી ટ્રેનમાં કચ્છના પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.