સરકારી નોકરીમાં દુ:ખીજનોની સેવા કરવાની તાકાત છુપાયેલી છે
સરકારી નોકરીમાં દુ:ખીજનોની  સેવા કરવાની તાકાત છુપાયેલી છે ભુજ, તા. 20 : સરકારી નોકરી એટલે બેઠાં-બેઠાં કમાઇશું-ખાઇશું એવું નહીં પણ મન-કર્મ-વચનથી નોકરી કરવા તેમજ સરકારના વિકાસના ફળ છેવાડાના દુ:ખીજનો સુધી પહોંચાડી પંચાયત સેવાના સાચા સંવાહક બનવા રાજ્યના સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીરે નવનિયુકત  કર્મયોગીઓને આહ્વાન કર્યું હતું. આજે ભુજના ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા પંચાયત સેવા સમિતિ દ્વારા પંચાયતના 4 સંવર્ગની જગ્યાઓ પર પસંદગી પામેલાને નિમણૂકપત્રોનો એનાયત સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં પંચાયત સેવાના 416 જેટલા નવનિયુક્તોને ઓર્ડર આપવામાં આવ્યા હતા.  આ પ્રસંગે સમારોહને સંબોધતાં સંસદીય સચિવ શ્રી આહીરે યુવાન-ભાઇ-બહેનોને રાજ્ય સરકાર વતી પંચાયત સેવામાં આવકાર આપી કર્મયોગીઓનો સહયોગ અનિવાર્ય ગણાવી દુ:ખીજનોની સેવા કરવાની તાકાત તમારી નોકરીમાં છે તેમ  જણાવ્યું હતું.    આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિકાસમાં કર્મયોગીઓનો સિંહફાળો છે તેમ જણાવી ગરીબ લોકોને નોકરીના માધ્યમથી ઉપયોગી બની સેવા કરવાનો આ અવસર હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત અધ્યક્ષા  કૌશલ્યાબેન માધાપરિયાએ સરકાર દ્વારા વિવિધ લોકોપયોગી કાર્યોમાં તંત્રની કામગીરીમાં નિષ્ઠાથી કામ કરીને મહત્ત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી.  ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ નિમણૂક પામેલાઓ માટે આજનો દિવસ જીવનનો સારામાં સારો દિવસ ગણાવી  નવા કર્મયોગીઓને શીખ આપી હતી કે ભ્રષ્ટાચારથી દૂર રહેજો.  ગુજરાત પસંદગી બોર્ડના ચેરમેન પ્રશાંત વાળાએ ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા 70 હજારના ભરતી લક્ષ્યાંકમાં પંચાયત વિભાગનો 11500નો ભરતી લક્ષ્યાંક બે-અઢી મહિનામાં પૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય પાર પાડવા કવાયત હાથ ધરાઇ તેની વિગતવાર વાત કરી ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીના વિવિધ પાસાંઓની છણાવટ કરી હતી.  જિલ્લા સમાહર્તા મુકુલ ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ જોડાયા હતા. યોજનાકીય પુસ્તકનું વિમોચન  કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું. આભારવિધિ સમિતિના સચિવ શ્રી તુંવારે કરી હતી.