ગટરક્ષતિ મરંમતમાં કોન્ટ્રાકટરો બેજવાબદાર ?

ગટરક્ષતિ મરંમતમાં કોન્ટ્રાકટરો બેજવાબદાર ?
ભુજ, તા. 20 : શહેરમાં બનતા માર્ગોના કાર્ય દરમ્યાન ગટરને થતી નુકસાની બાદ કોન્ટ્રાકટર દ્વારા મરંમત ન કરાતાં ફરિયાદને પગલે જિલ્લા ભાજપ પ્રમુખે સુધરાઇના મુખ્ય અધિકારીને ઉકેલ લાવવા લેખિતમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં વિકાસ કાર્યો દરમ્યાન માર્ગોના કાર્યો દરમ્યાન ગટરની ચેમ્બર તથા લાઇનોને નુકસાની થતી હોવાથી મરંમતની તમામ જવાબદારી કોન્ટ્રાકટરની હોવા છતાં રિપેર ન કરાતાં રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં નૂતન સોસાયટીમાં ચાલતા કાર્યમાં ગટરને નુકસાન પહોંચાડાયું છે. ઉપરાંત શિવકૃપાનગરમાં તો દિવાળી પહેલાનું નુકસાન છતાં હજુ સુધી મરંમત નથી કરાઇ. અકસાનગર, ભકિતપાર્ક, નીલકંઠ નગર સહિત અનેક વિસ્તારોમાં કોન્ટ્રાકટરોની બેદરકારીને પગલે ગટરને નુકસાન પહોંચ્યું છે. નિયમ મુજબ ખોદાણ સમયે ગટર તૂટવી ન જોઇએ, રસ્તાની લેવલમાં ચેમ્બર લેવા સહિતનું કાર્ય કોન્ટ્રાકટરની જવાબદારીમાં આવે છે પણ તે પ્રત્યે કોઇ જ દરકાર લેવાતી નથી. ઘણા કિસ્સામાં તો ગટરની ચેમ્બર પર જ માર્ગ બનાવી નખાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા મરંમત ન કરાતાં અંતે સુધરાઇના ખભે ખર્ચનું ભારણ આવે છે.  જો કે, આ બાબતે ડ્રેનેજ શાખાના ચેરમેન અશોક પટેલે મુખ્ય અધિકારી સહિતનાનું લેખિત-મૌખિક ધ્યાન દોર્યું હોવા છતાં કોઇ જ ફેર ન પડતાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલને વાકેફ કરતાં તેમણે મુખ્ય અધિકારીને પત્ર પાઠવી આ સમસ્યા ઉકેલવા જણાવ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ કચેરી ખાતે મળેલી બેઠકમાં કોન્ટ્રાકટરોને નબળા કાર્ય મુદ્દે તાકીદકરાઇ હતી ત્યારે આ બાબતે  પણ લાખો-કરોડોના માર્ગ બનાવતા કોન્ટ્રાકટરોને જવાબદારીનું ભાન કરાવાય તેવી લોકમાંગ ઊઠી છે.    

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer