અંજાર સુધરાઇના 6.50 કરોડના ટેન્ડર અંગે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોની તપાસ
ગાંધીધામ, તા. 20 : અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં સડક યોજના અંતર્ગત આરસીસી રોડ, પેવર બ્લોક, ડામર રોડના રૂા. 6,50,00,000ના અલગ અલગ સાત ટેન્ડરના પ્રકરણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ શહેરના એક કોન્ટ્રેક્ટરે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો અમદાવાદને કરી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના કોન્ટ્રેક્ટર જે.બી. જેઠવાએ અમદાવાદના લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના નિયામક સમક્ષ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે,  સુધરાઇના કેટલાક હોદ્દેદારો અને કર્મચારીઓ દ્વારા કોઇ ચોક્કસ વ્યક્તિને આર્થિક લાભ અપાવાના હેતુસર  કોઇ સરકારી વિભાગમાં શરત ન હોય તેવી શરતે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં એવી શરત મૂકવામાં આવી હતી કે, અંદાજિત કામના 80 ટકા જેટલી રકમનું કામ જે કોન્ટ્રેક્ટરે એક વર્ક ઓર્ડરથી કર્યું હોય તેનું ટેન્ડર મંજૂર કરવામાં આવશે. આ પ્રકારની શરતોએ તૈયાર કરાયેલું ટેન્ડર ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધી રહ્યું છે. આ સમગ્ર મામલે ગાંધીધામ એસીબીને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગાંધીધામ એસીબીના પી.આઇ.  આર.ટી. ઉદાવતનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસના ભાગરૂપે અંજાર નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને નિવેદન લખવા માટે બોલાવવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ 258 હેઠળ ન્યાયિક કાનૂની કાર્યવાહી પણ ચાલી રહી છે.