ભુજના પાસપોર્ટ કેન્દ્રમાં મુલાકાતની તારીખ બે માસ બાદની અપાતાં નારાજગી

ભુજ, તા. 20 : લાંબા સમયની માંગ બાદ  31મી માર્ચે ભુજની પોસ્ટ કચેરીમાં પાસપોર્ટ કેન્દ્ર ખુલ્યું, જેથી સ્થાનિકોને રાજકોટ અને અમદાવાદનો ધક્કો બચે. પરંતુ હાલે કચ્છમાં પાસપોર્ટવાંચ્છુઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટની તારીખ બે મહિના બાદની મળી રહી હોવાથી અનેક લોકોને રાજકોટ સુધી લાંબા થવું પડે છે.  આમ ગામમાં સગવડ હોવા છતાં કામ આવતી નથી. 31મી માર્ચના ઉદ્ઘાટન વેળા સત્તાવાર જાહેર કરાયું હતું કે, સપ્તાહ બાદ દરરોજની 100થી 150 જેટલી એપોઇન્ટમેન્ટ ધ્યાને લઇ કાર્યવાહી થશે, પરંતુ હજુ સુધી 45થી 50 જેટલી જ ફાઇલ પર આ પાસપોર્ટ કેન્દ્રમાં કાર્ય થતું હોવાથી તારીખો દૂરની મળી રહી છે. આ અંગે  પાસપોર્ટ કેન્દ્રના અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ફોટા પાડવાની, બાયોમેટ્રિક લેવાની સિસ્ટમ એક જ છે. વધુ એક સિસ્ટમની માંગનો પત્ર 13 દિવસ પહેલાં અ'વાદની મુખ્ય પાસપોર્ટ કચેરીને આપી દેવાયો છે. આ સમસ્યા બાબતે સાંસદ વિનોદભાઇ ચાવડાનું ધ્યાન દોરતાં તેમણે અ'વાદ પાસપોર્ટ કચેરીના મુખ્ય અધિકારી નીલમ રાની સાથે ફોન પર તુરંત વાત કરી હતી. નીલમબેને જણાવ્યું હતું કે, હાલે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કરોડના?ખર્ચે નવી બાયોમેટ્રિક સિસ્ટમ તૈયાર કરવાનો તખતો ઘડાઇ રહ્યો હોવાથી બે માસ સુધી આ જ સિસ્ટમમાં કામ કરવું પડશે. પરંતુ હાલાકી ઘટાડવા રોજની 15 વધારાની અરજીઓ પર કામ કરવા માટે ભુજ પાસપોર્ટ કેન્દ્રના સંચાલકોને  સૂચના અપાશે તેવી ખાતરી પણ આપી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer