એન્કરવાલા અહિંસાધામે ભંડોળ એકત્ર કરવા મનોરંજન કાર્યક્રમ યોજ્યો

એન્કરવાલા અહિંસાધામે ભંડોળ એકત્ર કરવા મનોરંજન કાર્યક્રમ યોજ્યો
મુંબઈ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર સંચાલિત એન્કરવાલા અહિંસાધામ દ્વારા ભંડોળ એકત્ર કરવાના હેતુથી મનોરંજન કાર્યક્રમ યાજાયો હતો. જેને સુંદર પ્રતિસાદ મળ્યો હતો. 25 વર્ષ પહેલાં શરૂ થયેલી આ સંસ્થા 1991માં પાંચ એકર જમીનમાં ફક્ત 11 પશુ હતા. આ સંસ્થા પાસે આજે 500 એકર જમીન છે અને 3750થી વધુ અપંગ, અશક્ત અને બીમાર પશુ-પક્ષીઓનું આશ્રયસ્થાન બની છે. આઈસીયુ સાથેની હોસ્પિટલ છે જેમાં વેટરનરી ડોક્ટરો અને સેવાભાવી કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. સંસ્થાનો દૈનિક ખર્ચ અંદાજે બે લાખ રૂપિયાનો છે. નિભાવ ખર્ચને પહોંચી વળવા સંસ્થાએ 1000 રૂપિયાના દાનની યોજના બનાવી છે. ઓટોમેટિક ક્લીયરિંગ હાઉસ નામની બેન્કની સ્કીમ પ્રમાણે સંસ્થાનું ફોર્મ ભરનાર દાતાના ખાતામાંથી દાતા ઈચ્છે ત્યાં સુધી દર મહિને રૂા. 1000નો ઉપાડ થાય છે. એટલે દર મહિને સંસ્થાને ચોક્કસ રકમનો ફાળો મળી રહે છે. આ યોજનાને પાર્લાના કાર્યક્રમમાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો અને એક મહિના સુધી ફોર્મ ભરાતા રહેશે. કાર્યક્રમની વ્યવસ્થા અને જવાબદારી દિનેશ શાહ (માપર)ના વડપણ હેઠળની પાર્લાની ટીમે સંભાળી હતી. તો સૌજન્ય પ્રભુ પરિવાર-રામદેવ ગ્રુપ (દહીંસર-વિલે પાર્લા)નું સાંપડયું હતું. `એક શામ ગૌમાતા કે નામ' કાર્યક્રમમાં મુકેશ અને લતાનાં ગીતો મુખ્તાર શાહ અને અનુપમા શ્રીવાસ્તવે રજૂ કર્યાં હતાં. ધીરજ છેડા (એકલવીર)એ સંચાલન કર્યું હતું. પ્રમુખસ્થાને ભરતભાઈ શાહ (અંબુજા) અને અતિથિવિશેષ તરીકે પ્રવીણ જે. પટેલ, જયંતીલાલ મારૂ, ધીરજ છેડા (ટ્રેડ સેન્ટર), મહેશભાઈ વાઘાણી, ગંગારામ રાણા, પ્રવીણ સામજી સાવલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer