ચારણો માતાજીઓએ ચીંધેલા માર્ગથી વિમુખ ન બનવા સાથે શક્તિત્વને ઉજાગર કરતા રહે

ચારણો માતાજીઓએ ચીંધેલા માર્ગથી વિમુખ ન  બનવા સાથે શક્તિત્વને ઉજાગર કરતા રહે
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 20 : સાડાત્રણ પ્હાડા (શાખાઓ)માં ફેલાયેલો ચારણ સમાજ વાડાકીય મતભેદોને દૂર હડસેલી નિજત્વના ગૌરવ સાથે એકત્વ અપનાવે તેવું રાજસ્થાનના પાલી નજીક આવેલા જાડન ગામના મહેશરાનંદજી વિશ્વદીપ ગુરુકુળ આશ્રમ ખાતે યોજાયેલા અખિલ ભારત ચારણ મહાસંમેલનને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.ડી. દેવલે વ્યકત કર્યો હતો. સંમેલનમાં રાજસ્થાન ઉપરાંત કચ્છ-ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના સ્થળોએથી જ્ઞાતિજનો જોડાયા હતા. ગુજરાત રાજ્યના સમાજ સિવાય અન્ય પ્રાંતોમાં વ્યાપ્ત દહેજપ્રથા, ટીકાપ્રથા અને વિકાસને આડે આવતા કુરિવાજોને તિલાંજલિ આપવા સર્વાનુમતે  ઠરાવ પસાર કરાયો હતો. આશીર્વચન આપતાં કંકુ કેસરમા (રાજસ્થાન) અને દેવલમા (મૂળ ભાડા હાલે વેરાવળ)એ જ્ઞાતિજનોને પવિત્ર ખોરડે અવતરેલી અને આર્યાવતના ઇતિહાસને ઉજળો કરી અમરત્વ પામી ગયેલી આદ્યશક્તિઓ આઇ કરણીજી, આઇ વરુડી, આઇ ખોડિયાર, શ્રી  આઇ સોનલ સુધીના  માતાજીઓએ  જગતને માનવસેવા સાથે ધર્મરક્ષણના પાઠ ભણાવ્યા છે ત્યારે એમના વંશજો એવા ચારણો આઇઓએ  ચીંધેલા માર્ગથી વિમુખ ન થાય અને જગતના રંગમંચ પર શક્તિત્વને ઉજાગર કરતા રહે એવી શીખ આપી હતી. માજી સાંસદ અને કાર્યકારી અધ્યક્ષ ઓમકારસિંહ લખાવત, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો દેવીદાનભાઇ ગઢવી (ગાંધીધામ), પુષ્પદાનભાઇ ગઢવી (ભુજ), પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી (જૂનાગઢ), ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. અંબાદાન રોહડિયા (રાજકોટ) સહિતનાઓએ કચ્છના ચારણ?સમાજે કન્યા-કુમાર શિક્ષણ માટે કરેલી કામગીરીને બિરદાવી હતી. સમારોહને સંબોધતાં અખિલ કચ્છ ગઢવી સમાજના અધ્યક્ષ વિજયભાઇ ગઢવીએ કચ્છના ચારણોમાં સમૂહલગ્ન ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન, દીકરા-દીકરીઓને  શિક્ષણ અપાવવામાં રહેલી ભેદરેખાને નાથવામાં મળેલી સફળતાથી ઉપસ્થિતોને અવગત કરી દિશાસૂચક રહેલા ચારણ સમાજનું યુવાધન ટેકનોલોજીના સદ્ઉપયોગ સાથે વિકાસના વહેણમાં જ્ઞાતિગત સંસ્કારોની જાળવણી કરે એવા અનુરોધ સાથે ગામથી રાષ્ટ્રીય કક્ષાના સંગઠન મજબૂત બની કાર્યપ્રગતિ કરે એવી ઇચ્છા પ્રદર્શિત કરી હતી. મંચસ્થ માતાજીઓ, સંતો, આગેવાનોને રાજસ્થાની પરંપરા મુજબ સત્કારવામાં આવ્યા હતા. સંમેલનમાં કચ્છના ચારણ?સમાજના મોભી-વડીલ વાલજીભાઇ જીવરાજ ગઢવી (મોટી સિંધોડી), સમાજના માજી મહામંત્રી અને નગરસેવક મોમાયાભા ગઢવી (આદિપુર), રાષ્ટ્રીય ગૌસેવા દળના અધ્યક્ષ રાજભા ગઢવી (ગાંધીધામ), કરસનભાઇ ગઢવી (અગ્રણી પાંચોટિયા) સહિત વિશાળ સંખ્યામાં વિવિધ સ્થળોએથી આવેલા  જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer