પશ્ચિમ કચ્છને 25 એમ.એલ.ડી. પાણી આપો
ગાંધીનગર, તા. 20 : અબડાસા, લખપત તથા નખત્રાણા તાલુકા માટે ખીરસરા પોઇન્ટ ઉપર નર્મદાનું પાણી ઓછામાં ઓછું 25 એમએલડી અપાય અને તેમાં બોરવેલ તથા સ્થાનિક સોર્સનું પાણી ઉમેરાય ત્યારે જ કંઈક અંશે જરૂરિયાત મુજબનું પાણી આપી શકાય તેવી મુખ્યમંત્રી પાસે ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી હતી. ધારાસભ્ય શ્રી ગોહિલે મુખ્યમંત્રીને યાદ અપાવતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના પીવાનાં પાણીના પ્રશ્નો અંગે ગત તા. 10-4ના રોજ ગાંધીનગર ખાતે આપના વિભાગના અધિકારીઓની હાજરીમાં બેઠક કરવામાં આવી હતી. મને આશા હતી કે બેઠકમાં અમે કરેલી રજૂઆતને ગંભીરતાથી લઇને પાણીના પ્રશ્નો ઉકેલવામાં આવશે પરંતુ અત્યંત દુ:ખ સાથે કહેવું પડે છે કે આપની સાથે મિટિંગ થયા પછી પીવાની પાણીની સમસ્યા કચ્છમાં સુધરવાને બદલે વધુ વિકરાળ બનવા લાગી છે. છેલ્લા કેટલાય દિવસોથી ખીરસરા પોઇન્ટ ઉપર માત્ર 15થી 19 એમ.એલ.ડી. જ નર્મદાનું પાણી આવે છે. જેના કારણે લોકો તથા પશુઓ પાણી વગર ટળવળે છે. તાત્કાલિક નર્મદાનું પાણી ખીરસરા પોઇન્ટ ઉપર 25 એમ.એલ.ડી. નિયમિત મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ધારાસભ્યે ટેન્કરો વધારવાની પણ ચર્ચા કરી હતી. પરંતુ ટેન્કરોની પૂરતી વ્યવસ્થા થઇ જ નથી તેવું ઉમેર્યું હતું. જખૌ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી યોજના શરૂ થઇ શકી નથી. તે અંગે યાદ અપાવતાં ઉમેર્યું હતું કે આપના સાથે ચર્ચા થયા મુજબ પાણી પુરવઠા વિભાગે આ યોજના સંભાળવી જોઇએ તે અંગે પણ પરિણામ શૂન્ય હોવાનું ઉમેર્યું હતું.