રાપર નગરપાલિકાના `સેવાસેતુ''માં પ્રશ્નો ન હોવાથી ઓછા જણ આવ્યા

રાપર નગરપાલિકાના `સેવાસેતુ''માં પ્રશ્નો ન હોવાથી ઓછા જણ આવ્યા
રાપર, તા. 20 : રાપર નગરપાલિકાના ટાઉનહોલમાં આજે શહેરી વિસ્તારનો ત્રીજો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢા, અશોક માલી,  કારોબારી ચેરમેન રામજી પીરાણા, રાજુભાઈ દવે,  જયેન્દ્ર ચૌધરી,  ઉમેશ સોની, બલવંત ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.  સેવાસેતુ કાર્યક્રમ અંગે મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાએ જણાવ્યું હતું કે શહેરના લોકોને એક જ સ્થળે તમામ સરકારી વિભાગો જેમ કે મામલતદાર કચેરીના ઈ-ધરા, રેશનકાર્ડ, નામ ચડાવવા, નામ કમી કરવા, સુધારા તથા આવક-જાવકના દાખલા, શહેર તલાટીની કામગીરી અને આરોગ્ય,  શિક્ષણ, રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડને લગતા પ્રશ્નો તેમજ નગરપાલિકાને લગતા પ્રશ્નોની કામગીરી હાથ ધરી હતી અને આજે જ અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.  નગરપાલિકા દ્વારા યોજાયેલા આ ત્રીજા સેવાસેતુ કાર્યક્રમમાં નહીંવત લોકો જ જોવા મળતા હતા. અગાઉના બે કાર્યક્રમોમાં લગભગ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.  આજના કાર્યક્રમમાં બાકી વણઉકેલ્યા કે નવા અરજદારો અન્યથા બાકી રહી ગયેલા અરજદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ અનુક્રમે હકુભા સોઢા, દિનેશ સોલંકી, રાજુભાઈ દવે, મહેશ સુથાર, કાનજી ડોડિયાએ વ્યવસ્થા જાળવી હતી.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer