ભુજ સુધરાઇના ફિક્સ પગારદારોને ઠેકેદાર હસ્તક રૂપાંતરિત કરવાની તંત્રની હિલચાલ ?

ભુજ, તા. 20 : શહેરમાં એક તરફ સફાઇ માટે લગભગ સવા ત્રણસો જેટલા કામદારો ફિક્સ પગાર પર ફરજ પર મોજૂદ છે. વધુમાં એકાદસો કર્મીઓ કામદારોના નામે ચોપડે ચડેલા છે, આ સ્ટાફને સીધો પગાર ચૂકવવાના બદલે કોન્ટ્રેક્ટર હેઠળ મૂકવા સુધરાઇ કચરીમાં થતી હિલચાલ પર નજર રાખતા કર્મચારી વર્તુળો કહે છે કે, ભૂલેચૂકે પણ જો ઠરાવ અમલી બનશે તો હડતાળનો તંત્રને સામનો કરવો પડશે.વર્તુળોના કહેવા અનુસાર નિયમ મુજબ ફિક્સ હોય કે કાયમી રોજંદારોને પરિપત્ર મુજબ લઘુતમ વેતનધારા હેઠળ દૈનિક રૂા. 300 ચૂકવવાના થાય છે, જેમાં સફાઇકાર્યમાં રોકાયેલા સવા ત્રણસો જેટલા કામદારોને લગભગ 9 હજારનું ચૂકવણું થાય છે. બાકીના કોમ્પ્યુટર ઓપરેટર કે અન્ય ટેબલ વર્કમાં જોડાયેલા એકાદસો કામદારોને `ચહેરા પ્રમાણે ચાંદલો' ચોડવામાં આવે છે. કોઇને પાંચ હજાર, કોઇને રૂા. 4400 કે 6 હજાર ચૂકવણાં થાય છે. તેમનું કુલ માસિક વેતન ખર્ચ રૂા. 50 લાખ જેટલું થવા જાય છે, વર્તુળો કહે છે, આ `નકરેનકરા' રૂપિયા કામદારોને ચૂકવાતા જોઇને પદાધિકારીઓ પૈકીના અમુકનું દિલ કચવાતાં સીધેસીધા આટલું ચૂકવણું કરવાના બદલે વચ્ચે ઠેકેદાર ઘૂસાડવા `વેપારી બુદ્ધિ' ધરાવતા નગરસેવકોએ ટેન્ડર ઘૂસાડવાનું સૂચન કર્યું જેનો ઠરાવ પણ તૈયાર કરી નખાયો. જેમાં ઠેકો પણ એક નગરસેવકે પોતાના ભાઇબંધના નામે લેવાની ગોઠવણ કરી લીધી છે. આ ઠરાવને જાહેર કરતાં હજુ બોડી ગભરાય છે, કારણ કે જેવા વચ્ચે ઠેકેદાર પ્રવેશશે તે સાથે જ જેમને રૂપિયા નવ હજાર મળે છે તેમને સાતેક હજાર મળશે. છ હજાર મળે છે તેને પાંચ હજાર મળવા સંભવ છે, કારણ કે તો જ કમિશન મળી શકે તેમ છે. બીજી તરફ આ ઠરાવ અમલી બનાવાશે તે સાથે જ હડતાળ થવાના એંધાણ આ વર્તુળો જોઇ રહ્યા છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer