ભચાઉમાં ઘરમાં ઘૂસી જઇને મહિલા પાસેથી કરાઇ લૂંટ

ગાંધીધામ, તા. 20 : ભચાઉના મણિનગર વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી છરી બતાવી એક ઇસમે મહિલા પાસેથી છરીની અણીએ રૂા. 6640ની મતાની લૂંટ ચલાવી હતી. લૂંટના આ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેને જેલ હવાલે કરાયો હતો. ભચાઉના મણિનગરમાં રહેતા સીતાબેન હરિ કારા કોળી નામના મહિલા ગઇકાલે  સમી સાંજે પોતાના ચાર બાળકો સાથે ઘરમાં હતા. દરમ્યાન શબ્બીર ઉર્ફે શબલો ઉમર ઉર્ફે બાવલો ભટ્ટી નામનો ઇસમ તેમના?ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે મહિલાને છરી બતાવી માર માર્યો હતો અને તેમની પાસેથી રોકડા રૂા. 640 તથા પગના ચાંદીના સાંકળા એમ કુલ રૂા. 6640ની મતાની લૂંટ ચલાવી હતી. દરમ્યાન આ મહિલાએ રાડારાડ કરતાં પાડોશમાં રહેતા તુલસીબેન દોડી આવ્યા હતા. આ ઈસમ તે મહિલાને પણ છરી વડે ઇજાઓ કરી નાસી ગયો હતો. ગઇકાલે સાંજે બનેલા આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી શબીર નામના આ ઇસમને પકડી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ વોંધના મેળામાં હત્યાના બનાવને અંજામ આપનારો આ ઇસમ હાલમાં જેલમાંથી છૂટીને આવ્યો છે. તેની વિરુદ્ધ આવા અનેક ગુના નોંધાયેલા છે. તેના કબ્જામાંથી રોકડા રૂા. 320 અને ચાંદીના સાંકળા જપ્ત કરવામાં આવ્યા હતા. આજે તેને જેલ હવાલે કરાયો હોવાનું તપાસકર્તા ફોજદાર જે.બી. ચૌધરીએ જણાવ્યું હતું.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer