માનવ જીવનનો સર્વોત્તમ વિકાસ એ કુદરતની દેન
માનવ જીવનનો સર્વોત્તમ વિકાસ એ કુદરતની દેન મોટા ભાડિયા (તા. માંડવી), તા. 20 : માનવજીવનનો સર્વોત્તમ વિકાસ એ કુદરતની અનેરી દેન છે. આધ્યાત્મિક અને પ્રાકૃત્તિક સંશાધનોનો સુમેળ કરી વિકસાવેલા દેવ મંદિરો થકી માનવમાં રહેલી શ્રદ્ધા અને  આંતરિક શકિત વધુ ખીલી  ઊઠતી હોવા સાથે સમાજ કલ્યાણમાં વૃદ્ધિ કરે છે તેવું પૂર્વ રાજ્યમંત્રી અને માંડવીના ધારાસભ્ય તારાચંદભાઇ છેડાએ  નાની ખાખર નજીક આવેલી સોનારાવાળી સુખપર (સુખપર ટીંબો)માં આવેલા વેલેશ્વર મહાદેવના મંદિરે ઉભા કરાયેલા પાણીના ટાંકા અને અવાડાના લોકાર્પણ સમારોહમાં જણાવ્યું હતું. નાની ખાખર-સુખપર મંદિર વચ્ચે આવેલી સોની મહાજનની સ્મશાન ભૂમિને વિકસાવવા રૂા. 5 લાખની પોતાની ગ્રાન્ટ ફાળવી ઉપરાંત આગરિયા ફાર્મથી મંદિર સુધીના  3 કિ.મી. અધૂરા રહેલા રસ્તાને  રોડમાં પરિવર્તિત કરાવી આપવા, સોની સમાજના કુળદેવીના મંદિર માટે ફરાદી ગામે જમીન ફાળવણીની કાર્યવાહી પૂર્ણ કરાવી આપવા ખાતરી આપી હતી. સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં ક્ષત્રિય સમાજના મોભી નારાણજી કલુભા જાડેજાએ સ્થળની ભવ્યતા અને ભૌગોલિકતા હૃદયસ્પર્શી છે ત્યારે સ્થળની દિવ્યતા વધુ વિકસે તેવા થઇ રહેલા પ્રયાસોને સરાહનીય લેખાવી સહયોગની લાગણી પ્રદર્શિત કરી હતી. કચ્છી પરજિયા પટ્ટણી સોની?જ્ઞાતિ અને  વેલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા સમારોહને  જ્ઞાતિના મોભી દાતા મોહનભાઇ રામજી થલેશ્વરએ શુભેચ્છા વ્યકત કરી હતી. મંચ પર નરેનભાઇ સોની, મહેશભાઇ જાડેજા, સુરેશભાઇ સંઘાર, થાવરભાઇ મહેશ્વરી, બહાદુરસિંહ જાડેજા, દિનેશભાઇ સોની (જ્ઞાતિ પ્રમુખ-ભુજ), મગનભાઇ કાનજી, મંદિરના પૂજારી હમીરગિરિ ગોસ્વામી સહિતનાઓનું સન્માન કરાયું હતું. લોકાર્પિત થયેલા પાણી સંગ્રહનો ટાંકો અને  અવાડો મહેશભાઇ જાડેજાના પ્રયત્નોથી સાંસદ વિનોદભાઇ ચાવડાની ગ્રાન્ટમાંથી નિર્માણ કરાવવામાં આવ્યા હતા. ટ્રસ્ટીઓએ મંદિરથી ફરાદી ગામને જોડતા રસ્તા માટે માગણી કરતાં ધારાસભ્યએ આ રસ્તાનું કામ એટીવીટીની ગ્રાન્ટમાંથી પૂર્ણ કરાવી આપવા જણાવ્યું હતું. તુલસીદાસભાઇ, રામજીભાઇ ભવાનજી,  રતનશી મોનજી, મેઘજીભાઇ સંજોટ, જયદેવસિંહ જાડેજા, કિશોરસિંહ ચૂડાસમા સહિતના આગેવાનો સમેત મહિલા વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે સુંદરકાંડના પઠન ઉપરાંત લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આયોજનને સફળ બનાવવા જેઠાલાલભાઇ, ભગવાનજી લાલજી, વીરલભાઇ, કરણભાઇ, દીપકભાઇ, ગૌરવ, જયભાઇ, બાબુભાઇ, વસંતભાઇ, શંભુભાઇ સહિત નાની ખાખર-ફરાદીના જ્ઞાતિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અને આભારદર્શન કેળવણીકાર કિશોરભાઇ સોનીએ કર્યું હતું.