બિદડાના માનવ મંદિરે દીક્ષા પ્રસંગે આગામી 25મીથી પંચાન્હિકા મહોત્સવ
બિદડાના માનવ મંદિરે દીક્ષા પ્રસંગે  આગામી 25મીથી પંચાન્હિકા મહોત્સવ માંડવી, તા. 20 : ધર્મતીર્થ માનવ મંદિર (બિદડા) ખાતે બનાસકાંઠા જિલ્લાના ધનાવાડા (હાલ ડીસા) નિવાસી દીક્ષાર્થી મુમુક્ષુ પિન્કીબેન ચંદનમલજી સોનવાડિયાના દીક્ષા પ્રસંગે આગામી તા. 25થી તા. 29 દરમ્યાન પંચાન્હિકા મહોત્સવ યોજાશે. માનવ મંદિરના પ્રણેતા પૂ. ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સા. તથા પૂ. કિરણમુનિ મ.સા. ઠાણા-2 તેમજ મહાસતીજીઓની નિશ્રામાં દીક્ષાર્થી મુમુક્ષુ પિન્કીબેન આગામી 29મી એપ્રિલે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા પ્રસંગે પાંચ દિવસ સાધર્મિક ભક્તિ સહ મહોત્સવના સંપૂર્ણ લાભાર્થી બનવાનો લાભ માતા ગજરાબેન ધીરાજી સોનવાડિયા, કાંતાબેન ચંદનમલજી સોનવાડિયા અને જ્યોતિબેન રમેશકુમાર સોનવાડિયાએ લીધો હોવાનું કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ અશ્વિનભાઇ પી. દેઢિયા અને આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ-માંડવીના પ્રમુખ નાનાલાલભાઇ દોશીએ જણાવ્યું હતું. પંચાન્હિકા મહોત્સવના પ્રથમ દિવસે તા. 25ના સવારે 9-30 કલાકે માળા મુહૂર્ત, બીજા દિવસે તા. 26ના સવારે 9-30 કલાકે સ્વસ્તિક મુહૂર્ત, ત્રીજા દિવસે તા. 27ના સમૂહ સાંજી, સંત ભક્તિ, ચોથા દિવસે 28ના સન્માન, વિદાય, કોળિયા વિધિ અને મહોત્સવના અંતિમ પાંચમા દિવસે તા. 29ના વિજય મુહૂર્તે મુમુક્ષુ પિન્કીબેન પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી મહાભિનિક્રમણ કરશે. વધુ વિગત માટે માનવ મંદિર બિદડા (02834) 245125 અને 245246 અને સુમિતભાઇ દેઢિયાનો 98257 20891નો સંપર્ક સાધવા જણાવાયું છે.