પડાણા નજીક ચાલુ બસમાંથી યુવતીએ કૂદકો મારતાં ગંભીર ઘાયલ
ગાંધીધામ, તા. 20 : તાલુકાના પડાણા નજીક એસ.ટી.ની એક ચાલુ બસમાંથી યુવતીએ કૂદકો મારી દેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ યુવતીને સારવાર અર્થે ગાંધીધામ ખસેડાઇ હતી.  સૂત્રોના જણાવ્યા મુજબ પડાણાની એક યુવતી રાપરમાં પરીક્ષા આપવા ગઇ હતી. ત્યાંથી તે ભચાઉ સુધી પહોંચી હતી. ભચાઉથી પોરબંદર-ભુજ રૂટની બસમાં તે ચડી ગઇ હતી. જ્યાં બસમાં તેને હવે બસ ક્યાંય નહીં ઊભે. છેક ગાંધીધામ ઊભી રહેશે તેવું જણાવી દેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે પડાણા આવ્યું ત્યારે યુવતીએ આજીજી કરી હતી, પરંતુ ચાલકે તેની વાત સાંભળ્યા વગર બસ હંકારી દીધી હતી. દરમ્યાન આ યુવતીએ ચાલુ બસમાંથી કૂદકો મારી દીધો હતો જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન ત્યાં એકઠા થયેલા લોકોએ રોષે ભરાઇને બસમાં તોડફોડ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલી યુવતીને સારવાર અર્થે ખસેડાઇ હતી અને બસના અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ બનાવ બાદ બસનો ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. લોકો એકઠા થઇ જતાં કંડકટર બીકનો માર્યો ત્યાં રડવા લાગ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  રાત્રે મોડેકથી થયેલા તોડફોડના આ બનાવ બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.