કિડાણાના તળાવમાં ડૂબવાથી બે કિશોરનાં મોત

ગાંધીધામ, તા. 20 :  તાલુકાના કિડાણા ગામ નજીક આવેલા તળાવમાં નહાવા પડેલા રોટરી નગર વાવાઝોડા કેમ્પ ગાંધીધામના અભિષેક શશિભાઇ શાહ (ઉ.વ. 14) અને સુજીત સુરેન્દ્ર શર્મા (ઉ.વ. 16) નામના તરુણોનાં મોત થયાં હતાં. આ બનાવથી ભારે ગમગીની છવાઇ હતી. આ અંગે મળતી વિગતો મુજબ રોટરી નગર વાવાઝોડા કેમ્પના પાંચેક તરુણો આજે કિડાણા ગામ નજીક આવેલા તળાવ પાસે પહોંચી ગયા હતા. આ તરુણો નહાવા માટે તળાવમાં ગયા હતા, દરમ્યાન ત્રણે કિશોર નીકળી આવ્યા બાદ પણ બે તરુણ તળાવમાં જ રહ્યા હતા. તેવામાં એક કિશોર ડૂબવા લાગતાં તેને બચાવવા બીજાએ પ્રયત્ન કર્યો હતો. પરિણામે આ બન્ને અભિષેક અને સુજીત નામના કિશોર પાણીમાં ડૂબી ગયા હતા. આ અંગે આસપાસના લોકોને જાણ થતાં ત્યાં દોડી આવી આ બન્નેને પાણીમાંથી બહાર કાઢયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અભિષેક શાહનું બનાવ સ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા તરુણ સુજીતના શ્વાસ હજુ ચાલુ હોવાથી તેને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. એકીસાથે બે તરુણોનાં મોતનાં પગલે ભારે ગમગીની છવાઇ હતી. આ તળાવમાં અગાઉ પણ બાળકોનાં મોત થયા છે, ત્યારે તેને ફરતે ફન્સિંગ કરવા પણ આ વેળાએ માંગ ઊઠી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer