કોઠારા મંડળી સંચાલિત વાજબી ભાવની દુકાનમાંથી ગેરરીતિ પકડાઈ

ભુજ, તા. 20 :  અબડાસા તાલુકાના કોઠારા ગામે કોઠારા જૂથ સેવા સહકારી મંડળી સંચાલિત વાજબી ભાવની દુકાન-1માં ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાતાં જિલ્લા પુરવઠા અધિકારીએ દુકાનનો પરવાનો મોકૂફ રાખી વધુ તપાસનો આદેશ કર્યો છે. પુરવઠા તંત્રમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદોને પગલે મુખ્ય પુરવઠા નિરીક્ષક દ્વારા દુકાનની આકસ્મિક તપાસ કરાતાં 361 કિ.ગ્રા. ઘઉં, ચોખા 218 કિ.ગ્રા., કેરોસીન 710 લિટરની ઘટ જણાઇ હતી, દુકાનદાર આ ઘટ અંગે યોગ્ય ખુલાસો પણ કરી શકે તેવી  સ્થિતિમાં નહોતા. ફરિયાદો અને તપાસમાં મળેલા તથ્યને પગલે પુરવઠા અધિકારી ઇન્દ્રજિતસિંહ વાળાએ તા. 1-4થી તા. 31-5 સુધી દુકાનનો પરવાનો મોકૂફ રાખવા આદેશ કર્યો હતો.  આ દુકાન સામે કાર્ડધારકોને ઓછો જથ્થો આપવા, રસીદ ન આપવા, દુકાન સ્થળમાં પૂર્વ પરવાનગી વગર ફેરફાર કરવા, કાર્ડધારકોને ધમકાવવા સહિતના આક્ષેપો થયા હતા. આ દુકાનની 100 ટકા ક્રોસ તપાસ કરવા મામલતદાર અબડાસાને તાકીદ કરાઇ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer